અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ તરફથી ફોન આવવા માંડ્યા છે અને તેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ચાર ધારાસભ્યોને મંત્રી બનાવાશે એવો ફોન આવી ગયો છે.


એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓનાં પત્તાં કાપી દેવાયાં છે ત્યારે બીજી તરફ ચાર-ચાર પક્ષપલટુઓને મંત્રીપદ આપીને મહત્વ અપાયું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્યોમાં બ્રિજેશ મેરજા(મોરબી), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), જીતુ ચૌધરી (કપરાડા) અને જે.વી. કાકડિયા (ધારી)નો સમાવેશ થાય છે. 


કોણ કોણ બનશે મંત્રી?


નરેશ પટેલ, ગણદેવી, નવસારી
હર્ષ સંઘવી, મજૂરા, સુરત
કિરીટસિંહ રાણા, લીંબડી, સુરેન્દ્રનગર
કનુભાઈ દેસાઇ, પારડી, સુરત
બ્રિજેશ મેરજા, મોરબી
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ઋષુકેશ પટેલ, વિસનગર, મહેસાણા
મુકેશ પટેલ, ઓલપાડ
જગદીશ પંચાલ, નિકોલ
કુબેર ડીંડોર, સંતરામપુર
રાઘવ મકવાણા, મહુવા
પ્રદીપ પરમાર, અસારવા
નિમિષા સુથાર, મોરવા હડફ
મનિષા વકીલ, વડોદરા
જીતુ ચૌધરી, કપરાડા
રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
જે.વી. કાકડિયા, ધારી
અરવિંદ રૈયાણી, રાજકોટ
દેવાભાઈ માલમ, કેશોદ
વિનુ મોરડીયા, કતારગામ, સુરત


ભુપેન્દ્ર પટેલના નવામંત્રીમંડળને લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને મંત્રી બનવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સિવાય કનુભાઈ દેસાઇને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને હર્ષ સંઘવીને પણ મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 


ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 7, કચ્છના એક, અમદાવાદ અને મધ્ય ગુજરાતના 6, ઉત્તર ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  કુલ 24થી 26 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લેશે. તમામ ધારાસભ્યો હાલ એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે. આગામી એક કલાકમાં મંત્રી તરીકેના શપથ લેવાના છે, તેમને ફોનથી જાણકારી આપી દેવામાં આવશે. લિસ્ટ એક કલાકમાં જીએડી અને રાજભવનનેને મોકલી આપવામાં આવશે.  3 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકશે.