ગાંધીનગરઃ ભુપેન્દ્ર પટેલના નવામંત્રીમંડળને લઈને ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને મંત્રી બનવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે. સૌથી પહેલો ફોન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આવ્યો છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આ સિવાય કનુભાઈ દેસાઇને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને હર્ષ સંઘવીને પણ મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાવાની છે, ત્યારે નો રિપીટ થિયરીને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રૂપાણી મંત્રીમંડળના એકપણ મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.
નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 7, કચ્છના એક, અમદાવાદ અને મધ્ય ગુજરાતના 6, ઉત્તર ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુલ 24થી 26 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લેશે. તમામ ધારાસભ્યો હાલ એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે. આગામી એક કલાકમાં મંત્રી તરીકેના શપથ લેવાના છે, તેમને ફોનથી જાણકારી આપી દેવામાં આવશે. લિસ્ટ એક કલાકમાં જીએડી અને રાજભવનનેને મોકલી આપવામાં આવશે. 3 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકશે.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, નવા મંત્રીમંડળની આજે બપોરે દોઢ વાગ્યે શપથવિધિ યોજાશે. જો કે, શપથવિધિને લઈ બુધવારે દિવસભર નાટકીય ઘટનાક્રમ ચાલ્યો હતો. રાજભવન ખાતે જ નવા મંત્રીમંડળની શપથવિધિના પોસ્ટર લગાવી દેવાયા હતા. જેમાં શપથવિધિ સમારોહની તારીખ 15 સપ્ટેમ્બર એટલે કે બુધવારની દર્શાવાઈ હતી.
મતલબ કે, રૂપાણી મંત્રીમંડળમાં સામેલ અનેક મંત્રીઓના કપાશે પત્તા. નો-રિપીટ થિયરીનો અમલ થવાની વાત ઉડતાં જ અનેક મંત્રીઓના હોશ પણ ઉડી ગયા હતા. કેટલાક સિનિયર મંત્રીની નારાજગીનો રેલો તો છેક દિલ્લી સુધી પહોંચ્યો હતો.
તો નવા મંત્રીમંડળની રચનાને લઈ સવારથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ચહલપહલ રહી હતી. અનેક ધારાસભ્યો મળવા પહોંચ્યા સી. આર. પાટિલને.. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો તો એક સાથે પાટિલને મળવા પહોંચ્યા હતા.
હવે મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ત્યારે છેલ્લી ઘડીઓ ધારાસભ્યો દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, હવે નામોમાં ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારે જેમના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. તેવા ત્રણ નામ સામે આવી રહ્યા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, હર્ષ સંઘવી અને સંતરામપુરના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે છે. મહીસાગર જિલ્લાની સંતરામપુર બેઠકના ધારાસભ્ય પ્રો. કુબેર ડીંડોર મંત્રી પદના દાવેદાર છે. તેઓ આદિવાસી સમાજ નું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જવાબદારી મળશે તો સમાજના ઉત્થાન માટે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.