ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડ શહેરમાં 5.5 ઈંચ, પારડીમાં સાડા 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 4 ઈંચ, ભાવનગર શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત શહેર અને નવસારીમાં 3 ઈંચ, નવસારીના જલાલપોર અને ખેરગામમાં 2.8 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.7 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.6 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 2.4 ઈંચ, વલસાડના વાપીમાં , ભાવનગરના વલ્લભીપુરમાં, સુરતના ઓલપાડમાં 2 ઈંચ વરસાદ, જામનગરના કાલાવાડ અને આણંદના તારાપુરમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે જાણો ક્યા ક્યા પડ્યો વરસાદ ?
ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, વલસાડ, નવસારી, પાટણ, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. મધ્યમાં આણંદ, વડોદરામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના સ્થળે વરસાદ વરસ્યો છે.
મોરબીના હળવદ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ચીખલી ખાતે આવેલ નેશનલ હાઇવે નંબર 48 સહિત તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસી રહ્યો છે.
ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે.