ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ખોલવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે. આ બ્લુ પ્રિન્ટમાં કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા શહેરો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી અહેવાલ મેળવવામાં આવ્યો છે અને તેના આધારે બે દિવસમાં નિર્ણયો લેવાશે.

રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ઉદ્યોગ ધંધાની સાથે શાળા-કોલેજ શરૂ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે, રાજ્ય સરકાકની યોજના પ્રમાણે, શાળાઓ જૂનના બીજા અઠવાડિયામાં ચાલુ કરવા અને તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવી શકે છે.

શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર, સ્કૂલો ખૂલશે ત્યારે બાળકોને માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવવામાં આવી શકે છે. એટલું જ નહીં બે બાળક વચ્ચે એક મીટરનું અંતર રાખવાનો પણ નિયમ બનાવવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જૂન મહિનાના બીજા અઠવાડિયામાં શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે પરંતુ તારીખ અંગે હજી દ્વિધા છે.