ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યુ  હતું. વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં 19 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. વરસાદના કારણે બનેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં અમદાવાદમાં ચાર, નડીયાદમાં ચાર, મોરબીમાં આઠ, નિઝર, કલોલ, અમરેલીમાં એક-એકના મોત થયા હતા.


ગુજરાતના તમામ જીલ્લામાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. ગુજરાતની મોટાભાગની નદીઓ બેઠ કાંઠે વહી રહી છે. અમદાવાદના બોપલમાં બંગ્લાની દીવાલ પડતાં દટાઈ જવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. તે સિવાય મોરબીના શનાલા બાયપાસ નજીક દીવાલ ધરાશાયી થતા ઝૂંપડામાં રહેતા 8 લોકોના મોત થયા છે. મોતને ભેટનારાઓમાં મહિલાઓ અને  બાળકોનો સમાવેશ થાય છે. નડિયાદના કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટનો ત્રણ માળનો એક બ્લોક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે.





તે સિવાય નિઝર, કલોલ, અમરેલીમાં એક-એકનું મોત થયું છે. અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે, જ્યારે છ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સરદાર સરોવર ડેમ  હાલ ઓવરફ્લો થઇ રહ્યો છે તેમજ ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના 17 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે જે ડેમો રૂલ લેવલ સુધી પહોંચી ગયા છે તેમાંથી પાણી છોડવામાં આવશે.