ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે ફફડી ગયેલા રાજ્ય સરકારના પ્રધાનો હવે લોકોને રૂબરૂ નહીં મળે પણ વીડિયો કોલથી મુલાકાત આપશે. કોરોનાને લીધે મંત્રીઓએ વર્કિંગ સ્ટાઇલ બદલી છે અને અરજદારો માટે સચિવાલયના દરવાજા બંધ કરી દેવાયા છે. તેના બદલે ફોનથી વાત કરવા આગ્રહ રખાય છે અને ફરિયાદનું ઓનલાઇન નિરાકરણ કરવા માટેની સલાહ અપાય છે.


એક સમયે મંત્રીઓ સચિવાલયમાં મુલાકાતીઓને હોંશે હોંશે મળતાં હતાં પણ કોરોનાનો એવો ડર પેઠો છે કે, હવે મંત્રીઓએ કામ કરવાની સ્ટાઇલ બદલવી પડી છે. કોરોનાના વધતાં જતા સંક્રમણને પગલે પાટનગર ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા અરજદારો માટે બંધ કરી દેવાયાં છે. હવે મંત્રીઓને મુલાકાતીને મળતાં કોરોના થવાની બીક લાગી રહી છે એટલે જ મંત્રીઓએ હવે લોકોની ફરિયાદોનો ઓનલાઇન ઉકેલ લાવશે. હાલમાં મંત્રીઓ કાર્યકરો-અરજદારો સાથે ફોન પર વાત કરવાનો આગ્રહ રાખી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે.કોરોના હજુય અંકુશમાં આવી શક્યો નથી. બીજી તરફ, રાજ્યભરમાંથી લોકો પોતાની સમસ્યા અને પડતર પ્રશ્નો ઉકેલવા સચિવાલય આવતાં હોય છે. વધતાં સંક્રમણને કારણે અત્યારે એવી સ્થિતી સર્જાઇ છે કે, સચિવાલયમાં કેટલાંય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. તેના કારણે મંત્રીઓને પણ કોરોન થવાનો ડર પેઠો છે. રોજ કેટલાંય મુલાકાતીઓ પોતોના પ્રશ્ન લઇને સચિવાલયમાં આવે છે.આ ઉપરાંત ભાજપના કાર્યકરોની ય ખૂબ જ અવરજવર હોય છે. આ કારણે મંત્રીઓએ પોતાની કામ કરવાની સ્ટાઇલ બદલી છે. હવે ખુદ મંત્રીઓ જ પોતાના મત વિસ્તારમાં કાર્યકરોને સામે ચાલીને કહી રહ્યાં છે, તેઓ સચિવાલયમાં ન આવે, કારણ વિનાર એકત્ર ન થાય. જરૂર જણાય તો ફોન કોલ કરીને વાત કરવા મંત્રીઓ આગ્રહ રાખી રહ્યાં છે.