ગાંધીનગર: રાજ્યમાં ઉનાળામાં પાણીની તંગી અને જળશયોમાં પાણીની સ્થિતિને લઈને આજે ગુજરાત સરકારે મહત્વની માહિતી રજૂ કરી છે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. 


રાજ્યના ૭૨ જળાશયો આધારિત જે જુથ યોજનાઓ પાણી મેળવે છે, તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબ વેલ પણ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મિનિ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે.


ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્યના દરેક નાગરિકને પૂરતું પાણી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેની વિસ્તૃત વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત ૧૦,૦૪૦ ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત ૪૪૨૦ ગામને મળી કુલ ૧૪,૪૬૦ ગામને પાણી પુરવઠો પૂરો પાડવા ૨૬૬ જુથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા ગામો મીની યોજના,ટ્યુબ વેલ,કુવા,હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. 


આગામી દિવસોમાં જરૂરિયાત જણાયે નવા ૨૦૦ ડી.આર. બોર તેમજ ૩૦૦૦ જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે ૧૪ જિલ્લાઓમાં ૧૮૭ જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની આંતરિક પાણી વિતરણની યોજનાઓ સંભાળતા ઓપરેટરોને આઇ.ટી.આઇ. મારફત તાલીમ આપી, જરૂરી સાધનોની ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર ૧૫ દિવસે આ ઓપરેટરોને જુથ યોજનાના હેડવર્કસ પર રિફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે.


તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ સરેરાશ ૨૧૦૦ એમ.એલ.ડી. જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે ભાવનગર જિલ્લાના બુઘેલથી બોરડા સુધીની ૫૫ કિ.મી બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ કરી વધારાનુ ૧૮૦ એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આદિવાસી જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારની આંતરિક વિતરણ યૉજનાઓમા લીકેજ અથવા રીપેરીગ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર ફરીયાદ મળ્યેથી વાસ્મો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પણ પીવાનું પાણી પૂરું પાડવા માટે ટેન્કરનું આયોજન કરવામાં આવ્યુ છે, તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પાવર વિક્ષેપ,લોકલ સોર્સમાં પાણીના નીચા સ્તર,પાઈપલાઈનમાં ભંગાણ,અગરિયા વિસ્તારમાં જુથ યોજનાની કનેક્ટીવીટીનો અભાવ અને કેટલીક જગ્યાએ જુથ યોજનાની કામગીરી પ્રગતિમાં હોવા જેવા વિવિધ ટેકનીકલ કારણોસર ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં મુખ્યત્વે દેવભૂમિ દ્વારકા, ભુજ, ભાવનગર,ગીર સોમનાથ,રાજકોટ,જામનગર,મોરબી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ટેન્કરથી પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.