ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોના મહામારીના કારણે ગયા વર્ષે રાજ્યની ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં 25 ટકાની રાહત આપી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી નવો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી ફીમાં 25 ટકા રાહત યથાવત્ રહેશે.

Continues below advertisement

ગુજરાત સરકારની આ જાહેરાત સામે ખાનગી સ્કૂલ સંચાલકો રોષે ભરાયા છે. તેમણે જાહેરાત કરી છે કે, આ વર્ષે કોઈ પણ સંજોગોમાં ફીમાં રાહત આપવી પરવડે તેમ નથી એટલે અમે વાલીઓને ફીમાં રાહત નહીં આપી શકીએ. તેમણે કહ્યું કે, ખાનગી સ્કૂલ સંચાલકોને ચાલુ વર્ષે ફીમાં કાપ માન્ય નથી અને તે યોગ્ય પણ નથી.  સરકારે એક પક્ષે નિર્ણય ન કરવો જોઈએ એનું જણાવીને તેમણે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.

તાજેતરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન અપાયું હતું કે, ખાનગી સ્કૂલોમાં  ફીમાં 25 ટકા રાહત આપવાની જોગવાઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. તેની સામે ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું છે કે, ગત વર્ષે 25 ટકા ફીની રાહત આપવાની સરકારની જોગવાઈ જે તે સમય માટે યથાર્થ હશે કારણ કે, તે સમયે પૂર્ણ લોકડાઉન હોવાથી રોજગાર- ધંધા સંપૂર્ણ બંધ હતા અને લોકોને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો.  

Continues below advertisement

આ વખતે આંશિક લોકડાઉનને લીધે ધંધા- રોજગાર પર પ્રમાણમાં ઓછી અસર પડી છે, જેથી આ 25% સુધીની રાહતનો મુદ્દો સર્વ રીતે અયોગ્ય છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડે કહ્યું કે, 2019-20માં કોઇ પણ શાળાને ફી વધારો કરવાની મંજૂરી અપાઇ નહોતી. ઉપરાંત 2020-21 માં 25% ફી કાપ અપાયો તેમ છતાં 50% જેટલા વાલીઓએ ફી ભરવામાં ઉદાસીનતા દાખવી છે, જેની માઠી અસર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભોગવી રહ્યું છે.