ગાંધીનગરઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પછી વડોદરામાં કૉંગ્રેસના ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૌલિન વૈષ્ણવ રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી સાથે હતા. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવનારા નેતાઓ અને અધિકારીઓ ક્વોરેન્ટાઇન થયા છે.


કૉંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થતા તેમના સંપર્કમાં આવનાર ચૂંટણી પંચના અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યો ક્વોરંટાઈન થવાના શરૂ થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં સોલંકીના સીધા સંપર્કમાં રહેલા કર્મચારીઓને 7 દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈન થવાની સૂચના આપવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયામાં ભરતસિંહ સોલંકીના સીધા સંપર્કમાં આવેલા મુખ્ય નિર્વાચન અધિકારી એસ. મુરલી ક્રિષ્ણન અને ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા સેલ્ફ ક્વોરંટાઈન થયા છે. તો કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમદાવાદ બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, વિરમગામના એક ધારાસભ્ય, શક્તિસિંહ ગોલિહ, સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય પણ ક્વોરંટાઈન થયા છે.