મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે મંગળવારે સવારથી રાજ્યમાં લોકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી છે. ભારત સરકારે ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. સાથોસાથ રેડ, ગ્રીન, ઓરેન્જ અને કન્ટેન્ટમેન્ટ ઝોન એવા વિસ્તારો માટે રાજ્ય સરકારને ભારત સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ છૂટછાટ પણ આપી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનનો અમલ ચાલુ રહેશે એમ પણ તેમણે જણાવ્યું છે.
ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના આ નોટિફિકેશનમાં ટ્રાન્સપોર્ટ સર્વિસિસ માટે જે છૂટ અપાઈ છે તે મુજબ રાજ્ય સરકાર કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારો માટે એસ.ટી. બસ અને સિટી બસ સેવાઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથે છૂટ આપશે, તે અંગેના નિયમો પણ સોમવારે જાહેર કરાશે. તેમણે રાજ્યમાં રિક્ષાચાલકો અને સ્કૂટરચાલકો માટે પણ યોગ્ય છૂટછાટો આપવા અંગેનો નિયમો પણ સોમવારે SOP બન્યા પછી જાહેર કરવામાં આવશે તેમ ઉમેર્યું હતુ.
તેમણે જણાવ્યું કે, ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે લોકડાઉન અંગેના નિર્ણયો અને કાર્યયોજના માટે સોમવારે જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ સાથે તેમના જિલ્લા-વિસ્તારની સ્થિતિ અંગે પરામર્શ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના અંતિમ નિર્ણયો કરશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સોમવારે આ અંગેના નિયમો અને SOP તૈયાર કરીને મંગળવારે સવારથી તેનો અમલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ભારત સરકારના આ નોટિફિકેશન મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે તેને અનુલક્ષીને રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર શહેરો સહિત કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ઉદ્યોગને નિયમાનુસાર શરૂ કરવાની છૂટ અપાશે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સાંજના ૭થી સવારના ૭ સુધી કર્ફ્યૂનો અમલ દેશભરમાં કરવા માટે આ નોટિફિકેશનમાં જણાવાયુ છે, તે મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ તેનો કડક અમલ કરાશે. સૌ નાગરિકો આ સમય દરમિયાન એટલે કે સાંજના ૭ થી સવારના ૭ દરમિયાન પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તેવી અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી.