ગાંધીનગર: આંગણવાડીના બાળકો સાથે સરકાર મજાક કરતી હોય તેવી માહિતી સામે આવી છે. ગુજરાત સરકાર પોષ્ટિક આહાર પાછળ બાળક દીઠ માત્ર 8 રૂપિયાની ફાળવણી કરતી હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. સવારે નાસ્તા માટે માત્ર 50 ગ્રામ આહાર અપાય છે. બપોરે જમવાનાં માત્ર 80 ગ્રામ મુજબ આહાર અપાય છે.  વર્ષ 2018માં પ્રતિ બાળક દીઠ 2 રૂપિયાનો વધારો કરાયો હતો એ અગાઉ પ્રતિ બાળક 6 રૂપિયાની ફાળવણી કરાતી હતી.


તો બીજી તરફ એવો પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે કેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં 180 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. બનાસકાંઠા જિલ્લામાં 150 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. આણંદ જિલ્લામાં 330 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે.  જામનગર જીલ્લામાં ૨૫૦ આંગણવાડીઓ પાસે પોતાના મકાનો નથી. દ્રારકા જિલ્લામાં પણ  ૧૪૨ આંગણવાડી પાસે પોતાના મકાન નથી.


BBCની ગુજરાત રમખાણ અંગેની ડોક્યુમેન્ટ્રીનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો


BBCએ ગુજરાત રમખાણ પર બનાવેલી ડોક્યુમેન્ટ્રીનો મુદ્દે ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો હતો. બિનસરકારી સંકલ્પ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે રજૂ કર્યો હતો. સંકલ્પ ઉપર ચર્ચા માટે 1 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો. BBC ગુજરાત રમખાણ વખતની ડોક્યુમેન્ટ્રીને વખોડતો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો. સંકલ્પમાં BBC સામે કડક કાર્યવાહી કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરવાનું સૂચવાયું છે. નોંધનીય છે કે, બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. સરકારે તેના પર પ્રતિબંધ પણ મુક્યો હતો.


કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ


કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજની વિધાનસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દરખાસ્તને ટેકો આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ઘસી આવ્યા હતા. જે બાદ સર્જન્ટોએ ટિંગા ટોળી કરી ધારાસભ્યોને બહાર કાઢ્યા હતા.


તો કાર્યાલય આપવા અંગે વિચારણા કરવી પડશે


સી જે ચાવડા, ગેની બેન ઠાકોર, તુષાર ચૌધરી, અનંત પટેલ પ્લેકાર્ડ દર્શાવ્યા. તો બીજી તરફ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષનું કડક વલણ જોવા મળ્યું. કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં કેટલીક વસ્તું લાવવામાં આવી હોવાની મને માહિતી મળી છે તેમ અધ્યક્ષે કહ્યું હતું.  જો કાર્યાલયનો આવો ઉપયોગ થતો હોય તો કાર્યાલય આપવા અંગે વિચારણા કરવી પડશે.  આવા કર્યો માટે કાર્યાલય ન આપી શકાય.