ગાંધીનગરઃ કલોલમાં પાટીદાર આગેવાન અને સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના નેતા ધર્મેન્દ્ર પટેલ પર હુમલો થયો છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમની જ્વેલરી શોપમાં તેમના પર હથિયારો સાથે ઘૂસી આવેલા કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. તેઓ ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


આ શખ્સો દ્વારા જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સોએ તલવાર સહિતના હથિયારો સાથે ધર્મેન્દ્ર પટેલ પર હુમલો કર્યો હતો. કલોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પહેલા એક વ્યક્તિ અને પછી તેના સાથીદારો દૂકાનમાં ખૂસી આવ્યા હતા. તેમજ તલવાર સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અંગત અદાવતમાં હુમલો થયો હોવાના આક્ષેપો ફગાવ્યા છે. ધર્મેન્દ્ર પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે અલગ અલગ સમાજના લોકો પર હુમલા કરાવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. તેમણે આ અંગે સરકારમાં પત્ર લખીને રજૂઆત કરી હતી, જેથી તેમનું નામ કદાચ આવતું હોય, તેમ જણાવ્યું હતું. જોકે, તેમણે આ ઘટના સાથે પોતાનો કોઈ હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે તપાસ કરી દૂધનું દૂધ પાણીનું પાણી કરવાની માંગ પણ કરી હતી.