Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રોડ શો કરશે. આ દરમિયાન તેમની સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન પણ હાજર રહેશે.અમદાવાદના ડીસીપી (ટ્રાફિક-ઈસ્ટ) સફીન હસને જણાવ્યું કે પીએમ મોદી ગાંધીનગર એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. આ પછી મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે ત્રણ કિલોમીટર લાંબો રોડ શો કરશે.


બુધવારે વડાપ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કરશે ઉદ્ધાટન


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ વખતે સમિટની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે. આ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 133 દેશોના રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ અને મંત્રીઓ પણ ભાગ લેશે. માઈક્રોસોફ્ટ, નાસ્ડેક, ગૂગલ, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓના સીઈઓ સમિટમાં ભાગ લેશે. તેમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને નટરાજન ચંદ્રશેખરન જેવા ભારતીય ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે.


 


મોદી સહિતના મહેમાનોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં અપાશે ભોજન


મહાત્મા મંદિરમાં વિશાળ ડાઈનિંગ હોલ પણ તૈયાર કરાયો છે. જેમાં પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં ભોજન પીરસાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોને નોનવેજ નહિ પીરસાય, પરંતુ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામા આવશે. આ માટે ‘વાઈબ્રન્ટ ભારત થાળી’નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. મહેમાનોની ભોજનની જવાબદારી હોટલ લીલાને સોંપાઈ છે.


વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનાર મહેમાનો માટે ખાસ શાકાહારી થાળી તૈયાર કરવામાં આવી છે. વિદેશી મહેમાનોને ત્રણ દિવસ સુધી માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. જેમાં બાસમતી ચોખાથી લઈને પનીર સુધીની ઘણી વાનગીઓ સામેલ હશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનાર મહેમાનોને ગુજરાતી અને દેશની અન્ય વિખ્યાત વાનગીઓ પીરસવામાં આવશે. મહેમાનોને જમાડવાની જવાબદારી 2 હોટલને સોંપવામાં આવી છે. લંચની જવાબદારી હોટલ લીલાને અને ડીનરની જવાબદારી હોટલ હયાતને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરનાર મહાનુભાવોના ફોટો સેશન માટે રૂમ તૈયાર કરાયો છે. મોઢેરાના સૂર્ય મંદિરનું ચિત્ર ફોટોના બેકગ્રાઉન્ડમાં સેટ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે 12 સેમિનાર હોલ તૈયાર કરાયા છે.


 


 


વાઈબ્રન્ટ ભારત થાળીનું મેનુ


સલાડ,પાપડ,અથાણું, ફુદીનાની ચટણી


બાજરી અને બીટની ટિક્કી ચાટ


અંજીર દહીં કા કબાબ


સબ્જી બદામી સોરબા-સુપ


કાજુ-કેસરની ગ્રેવીમાં શાહી પનીર


ગોવિંદ ગટ્ટા કરી


એક્ઝોટિક વેજીટેબલ લઝાનિયા


હરી મુંગ દાલ તડકા


અમૃતસરી કુલ્ચા, ફુલ્કા, રાગીની રોટલી


મોતીચુર ચીઝ કેક વિઝ બ્લુ બેરી


માલપુઆ સાથે લછ્છા રબડી


સિજનલ કટફ્રુટ, ચા અને કોફી