અમદાવાદઃ હાલ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આાગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવાના વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આગામી બે દિવસમાં ગુજરાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવી સંભાવના છે.

હવાના વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 21 ઓગસ્ટ એટલે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે. અમુક છલવાયા છે અને મોટા ભાગના ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં ઠેર ઠેર પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણાં રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે પણ એકંદરે લોકો ખુશ છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે.