જૂનાગઢ: સ્થાનિક સ્વારાજની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પક્ષપલટુઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષ બદલી રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મુરલીધર વાડી ખાતે કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ હાજરી આપી હતી.




કૉંગ્રેસના આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો લાગયો છે. માંગરોળના શેરીયાજ ગામના 3 ગ્રામ પંચાયતના સભ્યો સાથે 100 લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે. માંગરોળના શેરીયાજ ગામના 100 આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસને કેસ ધારણ કર્યો છે. એકસાથે આટલા આગેવાનો કૉંગ્રેસમાં જોડાતા માંગરોળમાં ભાજપના રાજકારણમાં મોટા ઉથલપાથલના એંધાણ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વારાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ કૉંગ્રેસના નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. ચૂંટણી પંચે રાજ્યમાં સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહીનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કૉંગ્રેસે પૂર જોશમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.