પંચમહાલ: જિલ્લાનાં ગોધરામાંથી ભેંસોના તબેલામાંથી સરકારી પૌષ્ટિક આહારના 1300 થી વધુ પેકેટ મળી આવ્યા છે. આ મામલે એક ઇસમને LCB ટીમે ઝડપી પાડયો છે. ગોધરા શહેરના દેવ તલાવડી વિસ્તારમાં આવેલા ભેંસોનાં એક તબેલામાં સગર્ભા બહેનો,ધાત્રી માતાઓ તેમજ આંગણવાડીના બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહારના પેકેટોનો જથ્થો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી.જે બાતમીના આધારે પોલીસે તબેલામાં છાપો મારતા આંગણવાડીના બાળકો અને સગર્ભા બહેનોને આપતો સરકારી પૌષ્ટિક આહારના પેકેટ ભરેલાં 134 થેલા મળી આવ્યા હતાં.પોલીસે 134 થેલામાં રાખવામાં આવેલ 1300 ઉપરાંત ફુડ પેકેટ સાથે હુસૈન મોહમ્મદ પથા નામના એક ઇસમને ઝડપી પાડયો હતો.
સગર્ભા બેહનો અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર મળે તે માટે સરકાર દ્વારા આઈસીડીએસ વિભાગ દ્વારા આગણવાડી મારફતે પોષ્ટિક આહાર યુક્ત ફુડ પેકેટોનુ વિતરણ કરવામાં આવે છે. આ તમામ જથ્થો સુરતની સુમુલ ડેરી મારફતે સપ્લાય કરવામાં આવે છે. પૌષ્ટિક ફુડ પેકેટ ગોધરાના તબેલામાંથી મળી આવતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.પૌષ્ટિક આહાર પેકેટ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હોવાની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સરકારી પૌષ્ટિક આહારથી સગર્ભા માતાઓ અને બાળકોને સશકત કરવાને બદલે તબેલામાં રાખેલા પશુઓને સશકત કરવા માટે આટલો મોટો જથ્થો તબેલામાં કેવી રીતે પહોંચ્યા અને કોન્ટ્રાકટર કે કોઈ સરકારી અધિકારીની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સંકલિત બાળ વિકાસ પ્રોગ્રામ ઑફિસર દ્રારા જણાવવામાં આવ્યુ છે. આ તરફ સમગ્ર મામલે ગંભીરતા પૂર્વક તપાસ કરીને જે કોઈ કસૂરવાર હોય તેમની સામે અસરકાર પગલાં ભરવામાં આવે તેવી માગ જિલ્લા પંચાયત પ્રમૂખ કામિની બેન સોલંકી દ્રારા કરવામાં આવી છે.
પ્રથમ વરસાદે જ ભ્રષ્ટ્રાચારની પોલ ખોલી!
ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો હાઈવેને નુકશાન પણ પહોંચ્યું છે. તો બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજના છેડે ગાબડું પડ્યું છે. સાબરડેરી પાસે નવનિર્મિત નેશનલ હાઇવે પરના બ્રિજની સાઈડનો ભાગ ધરાશાયી થયો છે. આમ પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.
મહિનાથી સવા મહિના પહેલા જ આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.હલકી ગુણવત્તાનું કામ થયું હોવાને લઇ બ્રિજનો છેડાનો ભાગ ધરાશાયી થયો છે. છેલ્લા સાડા ચાર વર્ષ જેટલા સમયથી નેશનલ હાઈવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી થઈ રહી છે. જો કે, આ પહેલા પણ રાજ્યમાં એક બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો. તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું નહોતુ. આમ એક બાદ એક બ્રીજ તૂટવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.