ભાવનગર: બોટાદ અને ભાવનગર જિલ્લામાં મેઘતાંડવા જોવા મળ્યું છે. ગઢડા અને ઉમરાળામાં 14 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે.  પાલીતાણામાં પણ 12 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.   મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદના પગલે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. જ્યારે અનેક ગામડાઓને જોડતા રસ્તાંઓ  અને કોઝવે બંધ થયા છે. અતિભારે વરસાદના પગલે ગામમાં પાણી ઘૂસ્યાં છે. જ્યારે મોટાપાયે  જનજીવન પ્રભાવિત થયું છે. 

ભાવનગર જિલ્લાના વરસાદના આંકડા  

છેલ્લા બે દિવસથી ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ, પાલીતાણામાં 11.9 ઈંચ વરસાદ, સિહોરમાં 11.6 ઈંચ વરસાદ, બોટાદમાં 11, જેસરમાં 10.7 ઈંચ વરસાદ, ઉમરાળામાં 10.4 ઈંચ વરસાદ વરસ્યો છે.  

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંઘોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે JCB લાવી નાળાને સાફ કરવામાં આવ્યું હતુ. તો હાઈવે પર ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાઈ ગયું હતું.  ભાવનગરના જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.  10 ઈંચ વરસાદ વરસતા જેસર નગર જળબંબાકાર થયું છે. જેસર તાલુકાના દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર, કરલા, રાણપડા સહિતના ગામ જાણે બેટમાં ફેરવાયા હતા. બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા.

ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું છે. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે.,ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ બની વિકટ બની છે. માલમ ડેમ પણ ભરાયો છે.  નદીઓનું રૌદ્ર સ્વરૂપ  જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં સિઝનનો 8 ટકા વરસાદ 

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે સિઝનના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં કુલ 15 ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા બે દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે. તે જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે.  રાજ્યભરના વરસાદના આંકડા પર નજર કરીએ તો કચ્છમાં 6.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 3.80 ટકા, મધ્ય ગુજરાતમાં 7.45 ટકા, દક્ષિણ ગુજરાતમાં 4.47 ટકા અને સૌરાષ્ટ્રમાં 14.83 ટકા સાથે રાજ્યમાં સિઝનનો વરસાદ 7.90 ટકા વરસાદ વરસ્યો છે.