મોરબી:  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર જીત બાદ ભાજપમાં આંતરિક કલહ હોવાની વાત સામે આવી છે.  વાંકાનેર નગરપાલિકામાં  પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં  ભાજપમાં ભડકો થયો છે. નગરપાલિકના ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામા આપી દિધા છે.  સર્વ સંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવામાં આવ્યા હતા  પરંતુ પક્ષ દ્વારા જે નામ જાહેર કરવામાં આવે તેને પ્રમુખ-ઉપપ્રમુખ બનાવવામાં આવશે તેમ કહી નામ જાહેર નહીં કરતા સભ્યો નારાજ થયા છે. 


ભાજપના ચૂંટાયેલા 24 સભ્યોમાંથી 16 સભ્યોએ  રાજીનામાં આપી દિધા છે.  વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા  રજુઆત કરી છે. જિલ્લા પ્રમુખે પોતાને આવો કોઈ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કર્યો છે.  આ મામલે વાંકાનેર શહેર પ્રમુખનો કોન્ટેકટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન બંધ આવી રહ્યો છે. નગરપાલીકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં ભાજપની સામે બળવાના એંધાણ હાલ જોવા મળી  રહ્યા છે.