ગાંધીનગર: બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18 લોકોના મોત થયા છે. ભીષણ આગમાં 18 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ ગમખ્વાર વિસ્ફોટની ઘટનામાં મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે.
આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે.
ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.
18 શ્રમિકોના મોત થયા છે
ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટનામાં 18 શ્રમિકોના મોત થયા છે. હૃદયદ્રાવક આ ઘટનામાં ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 18 બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે.જેને સિવિલમાં પીએમ માટે લઇ જવાયા છે.
આ દુર્ઘટનામાં 6થી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે 40 ટકા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવાયા છે. ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ સિવિલમાં મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલું છે.
પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી
આ ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહી રહ્યાં છે. આ ગોડાઉન હોવાથી માત્ર ફટકડા સ્ટોર કરવાની મંજૂરી હતી જ્યારે અહીં ફટાકડાનું પ્રોડક્શન પણ ચાલતું હતું. પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.જેના કારણે કાટમાળ વચ્ચે અને ભીષણ આગમાં મૃતદેહને શોધવાનું કામ અઘરું બન્યું હતું. ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.
સમગ્ર દુર્ધટનાને લઇને બનાસકાંઠાના સાંસદ ગેનીબેને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઘટનાને લઇને સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યાં છે. ડીસાની દુર્ઘટનાને લઈ ગેનીબેને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વહીવટી પ્રશાસનની ભૂલના કારણે દુર્ઘટના બની છે. ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી થવી જોઇએ. મંજૂરી અપાય છે ત્યારે કેમ તમામ બાબતોને ધ્યાને નથી લેવાતી ? ઘટનાની જાણ થતાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે.