અમદાવાદ:  ચક્રવાતી મિચોંગની દક્ષિણ ભારતના રાજ્યોમાં જબરદસ્ત અસર થવા લાગી છે. આ ચક્રવાતી તોફાનની સૌથી વધુ અસર ચેન્નાઈમાં જોવા મળી છે. એનડીટીપીના રિપોર્ટ અનુસાર, તમિલનાડુની રાજધાની ચેન્નાઈને જોડતી એક હજારથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. તેનું કારણ એ છે કે ચક્રવાતી તોફાન મિચોંગના કારણે થયેલા ભારે વરસાદને કારણે શહેરનું એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરવું પડ્યું હતું. હવે આ વાવોઝોડાની અસર ગુજરાત પર જોવા મળશે. 


મિચોંગના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. જો કે રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે,  આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, બે દિવસ રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. આજે સુરત, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે.


અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે આજે બપોરે 1 વાગ્યે આંધ્રના નેલ્લોર તટ પર ત્રાટક્યું હતું. હાલમાં અહીં 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 


અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે


સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. મિચોંગ વાવાઝોડાના કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે તેમજ બેથી ત્રણ દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.


550 ફ્લાઈટ્સ કેન્સલ


ઈન્ડિગોએ અત્યાર સુધીમાં 550 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે, જ્યારે વિસ્તારા એરલાઈન્સે ગઈકાલથી 10 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. ચેન્નાઈમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં વરસાદને કારણે એકઠું થયેલું પાણી હજુ બહાર નથી આવી શક્યું. જેના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચક્રવાતી તોફાન મિચોંગ પણ ધીમે ધીમે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો છે.


ચેન્નઈ એરપોર્ટે ગઈકાલે ખરાબ હવામાનને કારણે તેનો રનવે પ્રસ્થાન અને આગમન માટે બંધ કરી દીધો હતો. ઈન્ડિગોએ બપોરના સુમારે ચેન્નાઈથી તેની ફ્લાઈટ ફરી શરૂ કરી. ચક્રવાત મિચોંગના કારણે ચેન્નાઈમાં રવિવાર રાતથી જ ભારે મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેર પાણીમાં ગરકાવ થયું હતું. ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.  આ વાવાઝોડુ ટૂંક સમયમાં આંધ્રપ્રદેશમાં ત્રાટકે તેવી શક્યતા છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ હાલમાં બંધ છે.