Botad accident news: બોટાદમાં રવિવારની સવાર એક પરિવાર માટે ગોઝારી સાબિત થઈ છે. રજાની મજા માણવા નીકળેલા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે મિલેટ્રી રોડ પર તેમની પિકઅપ વાન (Pickup Van) અચાનક પલટી મારી ગઈ. આ ગમખ્વાર અકસ્માત (Accident) માં બે મહિલાઓના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 16 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. જાણો કેવી રીતે સર્જાઈ આ કરુણ દુર્ઘટના.
રજાની મજા માણવા જતા પરિવારને નડ્યો અકસ્માત
બોટાદ (Botad) ના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ પરિવાર રવિવારની રજા હોવાથી પ્રવાસના મૂડમાં હતો. મળતી માહિતી મુજબ, પરિવારના સભ્યો એક પિકઅપ વાનમાં સવાર થઈને સંબંધીની વાડીએ જઈ રહ્યા હતા. વાનમાં અંદાજે 18 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે વાહન શહેરના મિલેટ્રી રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ (Control) ગુમાવી દીધો હતો. ડ્રાઈવરની ચૂકને કારણે પિકઅપ વાન રસ્તા પર જ પલટી ખાઈ જતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.
45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું કરુણ મોત
વાન પલટી જતા તેમાં સવાર મુસાફરો ફંગોળાયા હતા, જેના કારણે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગંભીર ઈજા થવાને કારણે એક 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. એક જ પરિવારની બે મહિલાઓના મોતથી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post Mortem) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
હોસ્પિટલ બહાર લોકોના ટોળા ઉમટ્યા
આ અકસ્માતમાં 16 થી વધુ લોકો નાની-મોટી ઈજાઓ પામ્યા છે. સ્થાનિકો અને રાહદારીઓની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકત્રિત થઈ ગયા હતા.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ (Police) નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તા પર અકસ્માતને કારણે થયેલો ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રવિવારની રજાનો આનંદ માણવા નીકળેલા પરિવાર પર અચાનક આવી પડેલી આ આફતે સૌને હચમચાવી દીધા છે.