Dahod News: દાહોદ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. દાહોદના રોઝમ ગામે પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 8થી વધુ લોકો દટાયા હોવાની માહિતી સામે આવી છે. પાણીની ટાંકીનો ત્રીજો સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના ઘટી હતી. પાણી પુરવઠા બોર્ડની ટાંકીના નિર્માણ દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માતની ઘટનાને પગલે ચારેતરફ અફરા તફરી મચી જવા પામી હતી.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નવીન બનતી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. રોઝમ ગામે હોળી ફળિયામાં આ દુર્ઘટના ઘટી છે. પાણીના ટાકાનો સ્લેબ ભરતા આ બનાવ બન્યો હતો. પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી બનતી હતી. સ્લેબ નીચે પડતા કેટલાક લોકો ઘવાયા હતા. 40 ફૂટ ઉંચી ટાંકીનો સ્લેબ તૂટતા મજૂરો નીચે દટાયા હતા. આ તમામ ઘાયલ લોકોને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફસાયેલા મજૂરોને જેસીબીની મદદથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દુર્ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઓલપાડના નરથાણ ગામ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરથાણની સંસ્કારકુંજ શાળામાં મૌખિક પરીક્ષા દરમ્યાન શિક્ષિકા જમીન પર ઢળી પડ્યા હતા. જે બાદ તાત્કાલિક શિક્ષિકાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે શિક્ષિકાને મૃત જાહેર કર્યા હતા. શિક્ષિકાનું નામ કૃતિકા પરમાર છે. શિક્ષિકાના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.ઓલપાડ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પાલનપુરમાં એક દંપતિએ ઝેરી પદાર્થ ગટગટાવી હોવાની ઘટના સામે આવી છે. ઝેરી દવા પીધા બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સારવાર માટે હોસ્પિટલે ખસડેવામાં આવ્યો હતો. જોકે, પતિનું પણ સારવાર દરમિયાન મોત થતા અરેરાટી મચી જવા પામી છે. મુતક મુકેશ પરમારે આર્થિક તંગીને લીધે ઝેરી દવા ગટગટાવી હોવાની માહિતી સામે આવી રહી છે.
એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, મૃતક મુકેશ પરમાર જ્યાં મજૂરીકામ કરતા હતા તે મકાન માલિકે પૈસા ના આપતા ઝેરી દવા ગટગટાવી હતી. આપઘાતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. હાલમં પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.