તાપી: તાપીમાં કમોસમી વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ભયજનક સપાટી પર ડેમ પહોંચતા ડેમના ત્રણ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી હાલ 46,418 ક્યુસેક આવક જેની સામે એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
તાપી કાંઠાના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા
ઉકાઈ ડેમના 3 ગેટ ચાર ફૂટ ખોલવામાં આવતા તાપી કાંઠાના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા છે. તાપીના સોનગઢ તાલુકામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે. ડોસવાડા ડેમની નીચે આવેલ 10થી વધારે ગામોના લોકો અને ખેડૂતોને નદી કિનારે નહીં જવા અપીલ કરવામાં આવી છે. ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી છે.
પંચમહાલ જિલ્લાલના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગોધરામાં કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ રોડ, ચિત્રા ખાડી, ભુરાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સિંગલ ફળિયા રેલ્વે ગરનાળાંમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણીને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ગોધરામાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વરસાદ બંધ થતા પાણી ઓસરવાની શરૂઆત થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગોધરામાં એક ઇંચ વરસાદમાં મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે. ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ ગોધરા શહેરમાં સર્જાઈ છે. જીલ્લા પંચાયત તાલુકા પંચાયત જીલ્લા કોર્ટના મુખ્ય માર્ગ સહિત જીલ્લા કલેક્ટર સંકુલ મુખ્ય ગેટ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન
હવામાનની આગાહી મુજબ, આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી, બોટાદ અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ,વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે.