ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં કાર ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી છે.

Continues below advertisement

ગુજરાતમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. પાટડીના વડગામ-પાનવા રોડ પર ઈકો કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દરમિયાન ટ્રકનો ક્લીનર ખેતરમાં ભાગવા જતા ઝટકા મશીનના કરંટની અડફેટે આવ્યો હતો, જેના કારણે તેનું પણ મોત થયું હતું.

Continues below advertisement

રાજકોટમાં રફતારનો કહેર

બીજી તરફ રાજકોટમાં રફતારના કહેરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટ-જામનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. પગપાળા જઈ રહેલા વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ  પણ વાંચો: ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન

તો દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં બેફામ કાર ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર શોભાયાત્રામાં ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. સ્થાનિકોના આરોપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના

વડોદરાના મીરા ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા થારચાલકને અંતે કારેલીબાગ પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, નંબર પ્લેટ વગરની થાર કાર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારચાલક ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતો હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે થારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.