Deesa cow death news: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે આવેલી એક પાંજરાપોળમાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ઝેરી ઘાસચારો ખાધા બાદ ૩૬ ગાયોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચિંતાનો માહોલ છે. પ્રાથમિક તારણ મુજબ, ઉનાળાની અસહ્ય ગરમી અને બફારાના કારણે ઘાસચારો ઝેરી બની ગયો હોવાની આશંકા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે સ્થિત ભીલડીયાજી મહાજન પાંજરાપોળ, જ્યાં ૨૭૦ થી વધુ ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે, ત્યાં બુધવારે સાંજે રજકા બાજરીનો લીલો ઘાસચારો ગાયોને નાખવામાં આવ્યો હતો. આ ઘાસચારો ખાધા બાદ અચાનક ૩૬ જેટલી ગાયોની તબિયત લથડવા લાગી અને એક બાદ એક ગાયોના મોત થવા માંડ્યા. આ ઘટનાથી પાંજરાપોળમાં હાહાકાર મચી ગયો હતો.

ઘાસચારો ઝેરી બન્યાની આશંકા

પાંજરાપોળ સંચાલકોને ગુરુવારે સવારે આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક નાયબ પશુપાલક નિયામક અને પશુચિકિત્સા અધિકારીઓને જાણ કરી હતી. પશુધન નિરીક્ષક ડોકટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગાયોની સારવાર તેમજ તપાસ હાથ ધરી હતી. ૧૫ જેટલી ગાયોની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ ૩૬ ગાયોને બચાવી શકાઈ ન હતી.

પશુ ચિકિત્સકો દ્વારા મૃતક ગાયોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે, ગાયોએ લીલો ઘાસચારો ખાધા બાદ તેમના મોત થયા છે. જિલ્લા પશુપાલન અધિકારીએ પ્રાથમિક તારણ જણાવતા કહ્યું કે, પ્રથમ વાઢની રજકા બાજરી વાઢીને ગરમીમાં પડી રાખવામાં આવી હતી, અને ગરમીના કારણે તેમાં બફારો થઈ જવાથી ઘાસચારામાં ઝેરની અસર થઈ ગઈ હોવાની આશંકા છે. આ ઝેરી ઘાસચારો આરોગ્ય બાદ ગાયોના મોત નિપજ્યા હોવાનું મનાય છે.

વધુ તપાસ અને તકેદારીના પગલાં

હાલ તો ૩૬ ગાયોના મૃતદેહનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહને જે.સી.બી દ્વારા ખાડો ખોદીને દફનાવવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે, જિલ્લાની અન્ય ગૌશાળાઓ અને પાંજરાપોળોને પણ તકેદારી રાખવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમને ઉનાળાની ગરમી અને બફારાની સ્થિતિમાં ઘાસચારા બાબતે ખાસ કાળજી રાખવા અને આવા બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી છે.