Banaskantha : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ (Amirgadh) તાલુકામાં 2 દિવસમાં 4 લોકોના આપઘાત (suicide)થી ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા વિસ્તારમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. બાલુન્દ્રા વિસ્તારમાં એક ઝાડ સાથે લટકેલો અને ગળેફાંસો ખાધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ  ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


રેલવે ટ્રેક પર યુવક યુવતીએ મોતને કર્યું વહાલું
ગઈકાલે 8 જૂને અમીરગઢ (Amirgadh) નજીક રેલવે ટ્રેક પર યુવક યુવતીએ મોત ને વહાલું કરી આત્મહત્યા કરી હતી. મોડી રાત્રી ના 4 વાગ્યાંના સમયે  એક યુવક અને એક યુવતીએ ટ્રેનની આગળ પડતું મૂકી મોતને વહાલું કરતા ચકચાર મચી ગઈ હતી. યુવક મહેસાણાનો જયારે યુવતી પાટણની હોવાનું જાણવા મળ્યું હતું. અમીરગઢ પોલીસે બન્નેના મૃતદેહને અમીરગઢ (Amirgadh) ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ  અર્થે ખસેડ્યાં હતાં. મૃતક યુવક યુવતી બન્ને નજીકના પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. મહેસાણા અને પાટણના બન્ને યુવક યુવતી અમીરગઢ નજીક રેલવે પાટા પર પડતું મૂકી મોત ને વહાલું કરતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. 


રબારીયા ગામે યુવતીએ કરી આત્મહત્યા 
અમીરગઢ (Amirgadh) તાલુકાના રબારીયા ગામે એક યુવતીએ ઝાડ સાથે લટકી, ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ યુવતનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી મુજબ આ યુવતીના માતા-પિતા નાની ઉંમરે મૃત્યુ પામ્યા છે. યુવતી પોતાના કાકા સાથે રહેતી હતી. યુવતીની આત્મહત્યાથી અનેક સવાલો ઉભા થયા છે. અમીરગઢ પોલીસે યુવતીના મૃતદેહને અમીરગઢના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ  અર્થે ખસેડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.