કોરોના સંકટ દરમિયાન જીવના જોખમે દર્દીઓની સેવામાં જોડાયેલા રાજ્યના રેસીડેન્ટ તબીબો માટે  સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


દર ત્રણ વર્ષે રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે છે તે પ્રમાણે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની જુનિયર ડોક્ટર એસોસીએશન સાથે નાયબ મુખ્યમંત્રી ચર્ચા કરી રાજ્યના હજારો કોરોનાના દર્દીઓની સારવારમાં વધુ કાળજી લેવાય તે માટે હકારાત્મક વિચારણાને કરી સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસીડેન્ટ તબીબોના હાલના સ્ટાઇપેન્ડમાં 40  ટકાનો વધારો કરી સ્ટાઇપેન્ડ વધારવાની મંજૂરી આપી છે.


નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય થકી રાજ્ય સરકારની કોલેજોના મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝીયોથેરાપીના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન, અનુ સ્નાતક અભ્યાસક્રમના ડીગ્રી, ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીના તથા જી.એમ.ઇ.આર.એસ. ના રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો થશે. રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો કરવાના આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 100 કરોડનું આર્થિક ભારણ થશે.


નોધનીય છે કે આ નિર્ણયથી સરકારી કોલેજોના 5767 તથા જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના 634  રેસીડેન્ટ તબીબો મળી કુલ-6401 રેસીડેન્ટ તબીબોને હાલના મળતા સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો તા.1  એપ્રિલ, 2021 થી આપવામાં આવશે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14605 નવા કેસ


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183  પર પહોંચી ગયો છે. 



રાજ્યમાં આજે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046   પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72  ટકા છે.