કચ્છ: કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રાપરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.  બપોરના 4 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ વરસતા રાપરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત બીજા દિવસે મૂશળધાર વરસાદને લઈ રાપર  પાણી-પાણી થયું છે. કચ્છના વાગડ વિસ્તારમાં સીઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો.એવામાં હવે વાગડમાં મન મૂકીને  મેઘરાજા વરસી રહ્યા છે. 




રાપર શહેરની સાથે તાલુકાના ખેંગારપર, સુદાણા, રામવાવ, ગવરીપર,  બેલા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભચાઉ અને ગાંધીધામમાં પણ  મેઘમહેર થઈ છે. બેલા ગામમાં મૂશળધાર વરસાદને લઈ ગામની શેરીઓ જાણે નદી બની ગઈ છે. ગામની શેરીઓમાં નદીની જેમ પાણીના ધસમસતા પ્રવાહ વહેતા થયા છે. 


ભારે વરસાદને લઈ ફતેહગઢથી રાપરનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થયો છે. આવી જ સ્થિતિ સર્જાઈ રાપરના જાટાવાડા ગામ પાસે અહીં બેલા મોવાણા ગામ તરફનો રસ્તો ભારે વરસાદને લઈ બંધ થયો છે.


સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા  મહેરબાન


લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા  મહેરબાન થયા છે.  આજે પોરબંદર, ભાવનગર, રાજકોટ, જામનગર, અમરેલી, સુરેંદ્રનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.  પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોરના 2 વાગ્યા સુધીમાં પોરબંદર શહેરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.  શહેરના કમલાબાગ,  સુદામા ચોક, નરસંગ ટેકરી,  છાયા અને બોખીરા સહિતના વિસ્તારો પાણી-પાણી થયા છે.  રાણાવાવ તાલુકામાં  1 ઈંચ વરસાદ વરસ્યો છે. 


સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ


સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે.  ધ્રાંગધ્રામાં સતત બીજા દિવસે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક, ગ્રીન ચોક,  શક્તિ ચોક,  માર્કેટ રોડ સહિતના વિસ્તારો પાણી-પાણી થયા છે. તાલુકાના સતાપર, કૂડા,  જસાપર,  સીતાપુર, વાવડી, ખાભડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. થાન તાલુકામાં પણ મન મૂકીને  મેઘરાજા વરસ્યા છે. બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસતા થાન પાણી-પાણી થયું  છે. 


ભાવનગરના ગારિયાધારમાં વરસાદ


ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગારિયાધારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયબાદ વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 


રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ


રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના  ધોરાજી, જામકંડોરણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.