Kutch breaking: મુન્દ્રાના ગુંદાલામાં નર્મદા કેનાલમાં ડુબવાથી 5 લોકોના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મુન્દ્રાની નર્મદા કેનાલમાં 5 લોકો ડૂબ્યા હતા જેમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. મુન્દ્રાની ગુંદલા ગામની પાસે આવેલી નર્મદા કેનાલમાં આ ગોજારી ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.


 




આ દુખદ ઘટના અંગે કોંગ્રેસના રાજયસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પણ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામના દેવીપુજક પરિવારના પાંચ સભ્યો કેનાલમાં પડી જવાથી મૃત્યુ પામ્યાના ખબરથી વ્યથિત છું.  માન.મુ.મંત્રીશ્રી તથા માન.પ્રધાન મંત્રીશ્રીને આ ગરીબ પરિવાર માટે તાત્કાલિક પુરતી વળતરની વ્યવસ્થા કરવા વિનંતી. મૃતકના કુટુંબીજનો સાથે મારી સંવેદનાઓ છે.


ટિકિટને લઈને બીજેપીમાં બબાલ


ગુજરાતમાં ટિકિટનો વહેંચણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વર્ષે બીજેપીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે શિસ્તવાળી પાર્ટી તરીકે ઓળખાતી પાર્ટી બીજેપીમાં પણ આ વર્ષે ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં બાયડ અને પાટણના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગાંધીનગરના કમલમ ખાતે પહોંચી ગયા છે. હજારોની સંખ્યામાં કાર્યકરો આવતા કમલમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓની વધુ સંખ્યાને જોતા બહાર ગાર્ડનમાં કાર્યકર્તાઓને બેસાડવામાં આવ્યા છે. પોતાના માનિતા ઉમેદવારોને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા કાર્યકરોની આ નારાજગી બીજેપી માટે આવનારા સમયમાં ચિંતાનો વિષય બની શકે છે.


કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા ધવલસિંહ ઝાલાને બીજેપીમાંથી ટિકિટ ન મળતા તેમણે બાયડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામં સમર્થકો હાજર રહ્યા હતા અને ધવલસિંહએ સંબોધન કર્યું હતું. સમર્થકોની ધવલસિંહને અપક્ષમાંથી લડવા માંગણી છે. ધવલસિંહે સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પૂરતો કોઈ જ નિર્ણય નહિ લેવાનું  ધવલસિંહ રટણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, અગાઉ મને ચેરમેન પદ આપવા પણ કહેવાયું હતું. પણ હું મારા મતદારો માટે લડવા માંગતો હતો.


પત્ની રિવાબા સાથે ફોર્મ ભરતી વખતે હાજર રહેલા રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આજે જામનગર શહેરની બંન્ને વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારીપત્રો ભરાયા હતા. જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા અને દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરી કરી ઉમેદવારી હતી.
 
ફોર્મ ભરતા પૂર્વે યોજાયેલી સભામાં રિવાબાના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા. તેમણે કહ્યું હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેઓએ મારી પત્ની પર વિશ્વાસ મુક્યો. જામનગર માટે જેટલો વિકાસ થાય તેનો કોશિશ રિવા કરશે. તેની કારકિર્દીની શરૂઆત છે અને તેને હજુ ઘણું શીખવાનું છે, મારી પત્ની માટે આ પહેલી મેચ છે, નાના માણસોને મદદ કરવાનો હેતુ છે અમારો. જામનગરમાં થતી મદદ લોકોને અમે કરીશું.