અમરેલી: અમરેલીના રાજુલામાં  6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.  અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા.  અમરેલી જિલ્લાના રાજુલામાં ભારે વરસાદ વરસ્યો છે.  રાજુલાના ઉછૈયા ગામે 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 

Continues below advertisement

ધારાસભ્ય હીરા સોલંકી પાણીના પ્રવાહમાં તરીને ઉછૈયા ગામ પહોંચ્યા હતા. ઉછૈયા ગામમાં ખેતમજૂરો, બાળકોના રેસ્ક્યું કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય હીરા સોલંકી ટ્રેક્ટર સાથે ઉછૈયા ગામમાં પહોંચીને 50 જેટલા લોકોને બચાવ્યા હતા. સ્થાનિક ટીમ સાથે હીરા સોલંકી પાણીના ધસમસતા પ્રવાહમાં પહોંચ્યા હતા.  રાજુલા જાફરાબાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હીરા સોલંકી ગ્રાઉન્ડ જીરો પર પહોંચ્યા છે. સ્થાનિક પ્રસાશન સાથે મળી અને પોલીસ ટીમ સાથે મળી ધારાસભ્ય હીરા સોલંકી વરસાદી માહોલમાં લોકોની મદદ કરી રહ્યા છે.

Continues below advertisement

અમરેલીના રાજુલામાં બે કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજુલાના સમઢીયાળા બંધારાનું પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સગર્ભા મહિલાને JCBની મદદથી પૂરના પાણીમાંથી બહાર કઢાઈ હતી. સગર્ભા મહિલાને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
 
અમરેલી જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ
 
અમરેલીના રાજુલા, સાવરકુંડલા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના કારણે અનેક માર્ગો પ્રભાવિત થયા હતા. ખેતરો બેટમાં ફેરવાયા હતા. રાજુલાના ધારાનેસ ગામમાં ધાતરવાડી ડેમના પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. વીજ પોલ ધરાશાયી થયો હતો. રામપરાના કોઝવે પર દૂધ ભરેલી ગાડી પાણીમાં તણાઈ હતી.

આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

હવામાનની આગાહી મુજબ, આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી, બોટાદ અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. 

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ,વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે.