ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 51 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 32 કેસ નોંધાયા છે.  રાજ્યમાં H3N2 નવા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યાં કોરોના વાયરસના કેસ પણ સતત વધવા લાગ્યા છે. 


24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 6, સુરત જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો થયો છે. 


Banaskantha: અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી  ચીકીનો પ્રસાદ જ વેચવાનો નિર્ણય કરાયો


ગાંધીનગર: માં અંબાના દરબારમાં હવેથી ભક્તોને ચીકીનો જ પ્રસાદ મળશે.  અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ચીકીનો પ્રસાદ જ વેચવાનો નિર્ણય કરાયો છે.  આ નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે.  પ્રવક્તા મંત્રીએ કહ્યું કે મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં લઈ શકાતો નથી.  મોહનથાળનો પ્રસાદ લાંબો સમય સુધી સાચવી પણ શકાતો નથી.  પ્રસાદ એ સ્વાદ માટે નહીં પણ પ્રસાદ માટે જ હોય છે.


બનાસકાંઠા ખાતે આવેલા જગવિખ્યાત અંબાજી મંદિરમાં જ્યારથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.


અંબાજી મંદિરમાં વર્ષોથી દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ પ્રસાદ વિવાદને લઈ નારાજ છે. ભક્તોના મતે મોહનથાળની માતાજીના પ્રસાદ તરીકે એક આગવી ઓળખ છે. જેનું સ્થાન ચીકી કે અન્ય કોઈ પ્રસાદ ન લઈ શકે.  વિધાનસભામાં શુક્રવારે કોંગ્રેસના વિધાનસભ્યોએ મોહનથાળનો પ્રસાદ બદલીને ચિક્કીનો પ્રસાદ કરવાનો વિરોધ દર્શાવ્યો હતો. બધા કોંગ્રેસી વિધાનસભ્યોએ વિધાનસભાની ગેલેરીમાં ફરી પ્રસાદમાં મોહનથાળ જ આપવાના મુદ્દે ટેકો આપ્યો હતો અને ચિક્કીના પ્રસાદનો વિરોધ કરતાં બેનર, પોસ્ટરને લઈને દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. 


રાજ્યમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી


રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.