દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુરમાં આભ ફાટ્યું હોય તેવી જેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 2 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. વરસાદના પગલે રસ્તાઓ અને કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા તો 2 કલાકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થતાં હરિપર કલ્યાણપુરને જોડતા માર્ગો પર પાણી ફરું વળ્યું હતું. આ ઉપરાંત ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બપોરથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરે 2 થી 4માં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે 4થી 6 દરમિયાન 1.16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 81.77 ઈંચ સાથે મોસમનો 324.75% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
સૌરાષ્ટ્રમાંથી દેવભૂમિ દ્વારકા ઉપરાંત માણાવદરમાં 2.32 ઈંચ, ખંભાળિયામાં 2.12 ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ, કેશોદમાં 1.88 ઈંચ, ભાણવડમાં 1.57 ઈંચ, કાલાવડમાં 1.37 ઈંચ, પોરબંદરમાં 1.22 ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાંથી ભૂજમાં બપોરે 12થી 2માં 2.48 ઈંચ અને બપોરે 2થી 4માં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
કચ્છમાં ચોમાસાની મોસમમાં આ વખતે 41.65 ઈંચ સાથે મોસમનો 256.88 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી ચીખલીમાં બપોરે 2થી 4 દરમિયાન સૌથી વધુ 1.33 ઈંચ વરસાદ પડયો હતો.