Devayat Khavad arrested: ગીર સોમનાથ પોલીસે તાલાલાના ચિત્રોડ ગામ નજીક થયેલા હુમલાના કેસમાં લોક કલાકાર દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને પાંચ દિવસથી ફરાર આ આરોપીઓ વિશે ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે તેમને સુરેન્દ્રનગરના દુધઈ ગામ પાસે એક ફાર્મ હાઉસમાંથી રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને ઇણાજ એસ.પી. કચેરી ખાતે લાવીને LCB ઓફિસમાં તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઈ રહી છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે આ હુમલો એક પૂર્વ આયોજિત કાવતરું હતું.

Continues below advertisement

હુમલાનું પૂર્વ આયોજિત કાવતરું અને કારણ

પોલીસ દ્વારા થયેલા ખુલાસા મુજબ, 12મી તારીખે સવારે લગભગ 11:30 વાગ્યે તાલાળાના ચિત્રોડ ગામ નજીક આવેલા ક્રિષ્ના ફાર્મ પાસે આ ઘટના બની હતી. દેવાયત ખવડ અને તેના સાગરીતોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર પૂર્વ આયોજિત કાવતરા મુજબ હુમલો કર્યો હતો. પોલીસ વડાએ જણાવ્યું કે આરોપીઓએ ધ્રુવરાજસિંહ પર સોશિયલ મીડિયા દ્વારા સતત વોચ રાખી હતી અને ત્યાર બાદ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. હુમલાનું મૂળ કારણ સનાથલ ખાતે ડાયરાના કાર્યક્રમમાં કલાકાર મોડા પહોંચ્યા હોવાથી થયેલી બોલાચાલી હતી. આ ઘટના બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી અને સોશિયલ મીડિયા પર એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ કરતા હતા. આ બાબતથી ઉશ્કેરાઈને દેવાયત ખવડ અને તેના સાગરીતોએ હુમલાની આ ઘટનાને અંજામ આપ્યો હતો.

Continues below advertisement

પોલીસ કાર્યવાહી અને ફરાર આરોપીઓને પકડવાની સફળતા

આ ઘટના બાદ તમામ આરોપીઓ તાલાલા વિસ્તારમાંથી પોતાના મોબાઈલ ફોન ફેંકીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે તેમને પકડવા પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો. પાંચ દિવસ સુધી ગીર સોમનાથ પોલીસ સતત આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન, ગત રાત્રિના રોજ પોલીસને બાતમી મળી કે દેવાયત ખવડ સહિતના લોકો સુરેન્દ્રનગરના દુધઈ ગામ નજીક એક ફાર્મ હાઉસમાં છુપાયા છે. બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક બંદોબસ્ત સાથે ત્યાં પહોંચીને તમામ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલમાં તેમની LCB ઓફિસ ખાતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે, જેથી આ કેસ સાથે જોડાયેલા અન્ય કોઈ પાસાઓનો ખુલાસો થઈ શકે.