પાટણ: આજે રાજ્યાના અનેક વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. આવતા બાપા વહેલા આવજોના નાદ સાથે ભક્તોએ બાપાને વિદાઈ આપી હતી. જો કે, આ દરમિયાન પાટણમાં એક દુખદ ઘટના સામે આવી છે. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.




ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે 1 યુવકનો મૃતદેહ  મળી આવ્યો છે જ્યારે 3 લોકોના પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. હાલમાં આ ત્રણેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, SDM, મામલતદાર સહીત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત 108 અને ફાયબ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર ખડેપગે છે.


એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા 


તાજેતરમાં માહિતી સામે આવી છે કે, પાટણ બનેલી આ દુર્ઘટનામાં  પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા છે. 1 વ્યક્તિની ડેડબોડી મળી આવી છે. પરિવારમાં એક મહિલા,બે પુત્ર, એક અન્ય વ્યક્તિ ડૂબ્યા છે જે પૈકી એક બોડી મળી છે. જ્યારે પરિવારના ત્રણ સભ્યોની શોધ ખોળ ચાલું છે.


શું કહ્યું ધારાસભ્ય કિરિટ પટેલે


પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું કે, ગણેશ વિસર્જન સમયે સરસ્વતી ડેમમાં પ્રજાપતિ પરિવારના 4 લોકો ડૂબ્યા છે. જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જો કે, હજી કેટલા લોકો ડૂબેલા છે એની ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલ અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. તેમણે આગળ કહ્યું કે, આ ઘટનાની જાણ થતા જ હું અને પ્રાંત અધિકારી, તેમજ સરસ્વતી મામલતદાર સહિત બીજા અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ ડૂબેલા લોકોને બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાથી 8 જેટલી 108 એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી છે. 


આ પણ વાંચો...


Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ