Rajkot News: રાજકોટમાં અંઘશ્રદ્ધાના કારણે માસૂમે પોતાનો જીવ ગુમાવ્યો. વિરમગામમાં રહેતી આ બાળકીને ન્યુમોનિયા થયા હતા. પરિવારે બાળકીની સારવાર કરાવવાના બદલે અંધશ્રદ્ધાના માર્ગે ચઢી ગયા બાળકીને ડામ દીધા. એક બાજુ ન્યુમોનિયાથી પીડિત બાળકી શારિરીક કષ્ટોથી પીડિત હતી અને તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાના બદલે તેને ધગધગતા ડામ આપીને વધુ પીડા આપી. બાળકીની સ્થિતિ વધુ ગંભીર થતાં તેને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે દુર્ભાગ્યવશ બાળકીને બચાવી ન શકાય અને સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું અને વધુ એક દીકરી અંધશ્રદ્ધાને ભેટ ચઢી ગઇ.
અંધશ્રદ્ધાની હદ વટાવતો આ કિસ્સો ચોક્કસથી એક સંવેદના ઝંઝોળી દેનાર છે. કોમલ સુરેલા નામની બાળકીને શરદી-ઉધરસ થઇ જતા, તેને માતાજીના મંદિરે લઇ જઇને ગરમ સોઇથી ડામ આપવામાં આવ્યા હતા, જોકે તાવ મટવાની જગ્યાએ બાળકીની હાલત વધુ ગંભીર બની જતા હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી. અંઘશ્રદ્ધાના કારણે બાળકીનું મોત થતાં કિસ્સાએ ચકચાર મચાવી છે.
આ બાળકીને સુરેન્દ્રનગરના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરમાં લઇ જવામાં આવી હતી, અહીં શકરીમા નામની મહિલાએ માતાજીના નામે 10 માસની બાળકીને ગરમ સોઇ કરીને પેટના ભાગે એક પછી એક ડામ આપ્યા હતા. બાળકીને ડામ આપવાથી શરદી-ઉધરસ મટી ન હતી પરંતુ બાદમાં તેની હાલત વધુ ગંભીર થઇ ગઇ હતી. બાળકીની હાલત ગંભીર થઇ જતા બાદમાં તેને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, અહીં હાલમાં બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં અંધશ્રદ્ધાનો કેવો કરૂણ અને ભંયકર અંજામ આવે છે તે ફરી એકવાર પુરવાર થયું છે. આ ઘટના એક લોકો માટે લાલ બતી સમાન છે. જે બીમારીમાં મેડિકલ ટ્રીટમેન્ટ લેવાના બદલે આવા અંધશ્રદ્ધામાં દોરવાઇ જઇને દોરા, ઘાગા અને ડામ આપીને જિંદગી સાથે ચેડા કરે છે.