બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.






વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.


ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખો જાહેર


તે સિવાય મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બપોરે પ્રેસ કૉન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે, આગામી મહિને 20મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.


મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન થશે. 20મી નવેમ્બરે મતદાન થશે અને તેનું પરિણામ 23મી નવેમ્બરે આવશે.


ઝારખંડમાં બે તબક્કામાં મતદાન 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે.










નોંધનીય છે કે નગરપાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  ડિસેમ્બરમાં નગરપાલિકાઓ ચૂંટણી યોજાઇ શકે છે. નવેમ્બરમાં રાજ્ય ચૂંટણીપંચ   ચૂંટણીની જાહેરાત કરશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજ્યની 78 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની બાકી  છે.ગુજરાતની 78 નગરપાલિકાઓમાં હાલ વહીવટદાર શાશન ચાલે છે,78 પૈકી માત્ર 5 પાલિકાઓમાં કોંગ્રેસનું શાસન હતું, 68 પાલિકામાં ભાજપ  સત્તા પર હતી.