પંચમહાલ: મોરવા હડફ વિસ્તારમાં તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમનો પર્દાફાશ થયો છે. નકલી વિજિલન્સની ટીમે સાત હજાર રૂપિયાનો તોડ એક વેપારી પાસેથી કર્યો હોવાનો ખુલાસો થયો છે.  ગોધરાના બખખર ગામના ભોગ બનનાર યુવકે પોલીસને હહીકત જણાવી હતી. જે મુજબ નકલી વિનિજન્સની ટીમ તેમની દુકાને ત્રાટકી હતી અને દારૂનું વેચાણ કરો છો તેમ કહી તપાસ કરી હતી. જો કે દારુ મળી આવ્યો નહોતો  તેથી ખાલી દારુની બોટલ મુકી કેસ દાખલ કરવાની ધમકી આપી હતી.  પોલીસે શુક્રવારે જ વિજિલન્સ અધિકારીની ઓળખ આપનાર ચાર શખ્સોને ઝડપી લીધા હતા.


નકલી ગેંગના ચાર શખ્સો ઝડપાયા


ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી ટોલનાકુ, નકલી સરકારી કચેરી,   નકલી પોલીસકર્મચારી, નકલી પીએમઓ, નક્લી સીએમઓ, મંત્રીઓના નકલી પીએ અને હવે નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ છે. પોલીસની ટીમ આ નકલી ગેંગના ચાર શખ્સોને ઝડપી લીધા છે. 




મહિલા પાસેથી  40, 000 રુપિયા પડાવી લીધા


મોરવા હડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતી એક મહિલાને ત્યાં શુક્રવારે બપોરે એક કારમાં આવી તેમાં આવેલા ચાર શખ્સોએ દંડા પછાડી તમે દારુનો  ધંધો કરો છો. અમે ગાંધીનગર વિજિલન્સમાંથી આવીએ છીએ તપાસ કરવાની છે. તેમ કહી  તેમના ઘર અને દુકાનમાં ઝડતી શરુ કરી હતી. ઝડતી દરમિયાન તેમના હાથમાં કંઇ નહીં લાગતા પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારુની બોટલો લઈ આવી મહિલાને જણાવ્યું હતું કે,આ દારુ તારા ઘરમાંથી મળ્યો છે. જેથી દારુનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારુનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિને દારુના મોટા કેસમાં ફસાવી દઈશું. આવી રીતે ધમકાવી ટોળકીએ  એક લાખ રુપિયાની માંગ કરી હતી. નકલી વિજિલન્સની ટીમે  મહિલા પાસેથી  40, 000 રુપિયા પડાવી લીધા હતા. 


ઓળખકાર્ડ માંગતા રોષે ભરાયા


આ દરમિયાન  મહિલાનો જેઠ આવી જતા તેણે નાણાં લેનાર અને પોતાને વિજિલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય આરોપીઓ પાસે ઓળખકાર્ડની માંગ કરતા  નકલી વિજિલન્સની ટીમના લોકો રોષે ભરાયા હતા અને કહ્યું કે અમારું ઓળખકાર્ડ માંગનાર તું કોણ. આ રીતે  બોલાચાલી થઈ હતી. ચારેય વ્યક્તિઓ શંકાસ્પદ હોવાનું જણાતા સાલીયા  પોલીસનો સંપર્ક કરતા પોલીસ આવી પહોંચી હતી.  ચારેયને મોરવા હડફ પોલીસ મથકે લઇ જઇ પૂછપરછ  કરતા તેઓ નકલી  હોવાનો ભાંડો ફૂટયો હતો.  ચારેય આરોપીઓ સામે મોરવા હડફ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં  આવ્યો છે.  આરોપીઓ  કેટલા સમયથી આ રીતે તોડ કરતા  હતા તે અંગે પોલીસે તપાસ  હાથ ધરી છે.