મહેસાણા: બહુચરાજીના ગાભુ ગામે ખાર કૂવાના ખોદકામ દરમિયાન જૈન ધર્મની મૂર્તિ મળી આવતા કુતુહલ સર્જાયું છે. ગામના ઠાકોર વાસમાં જમીનમાં ખોદ કામ દરમિયાન મૂર્તિ નિકળી છે. ગામના પાતાળમાંથી મૂર્તિ નીકળતા તંત્રને જાણ કરવામાં આવી છે. આ અગાઉ પણ આ ગામમાંથી જૂના ચલણી નાણાંના સિક્કા મળી આવ્યા હતા. ગાભૂ ગામનો ઈતિહાસ જૈન ધર્મથી જોડાયેલ છે. ગામમાં મૂર્તિ નીકળતા મોટી સંખ્યામાં ગામ લોકો સ્થળ પર પહોંચ્યા હતા.
જાણો ગુજરાતમાં પાન મસાલાના વેચાણને લઈને સરકારે શું કર્યો નવો આદેશ
ગાંધીનગર: રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા. ૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.
આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના તલાટી કમ મંત્રીઓ માટે આનંદના સમાચાર
ગાંધીનગરઃ રાજ્યમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વિવિધ રજૂઆતો બાદ આખરે રાજ્ય સરકારે તેમના ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. જે મુજબ હવે તલાટી કમ મંત્રીઓને દર મહિને 3000 રુપિયા ખાસ માસિક ભથ્થું આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું.
સરકારે આજે બહાર પાડેલ ઠરાવ મુજબ રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકારે હકારાત્મક અભિગમ દાખવી માસિક ભથ્થું વધારીને 3000 સુધી કર્યું છે. વર્ષ 2012 બાદ ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે તલાટી કમ મંત્રીઓની કામગીરીમાં વધારો થયો હતો. જુના ભથ્થાના ઠરાવ મુજબ તલાટીઓને દર મહિને 900 રુપિયા ખાસ ભથ્થું મળતું હતું તે ઠારવને પણ 10 વર્ષ જેટલો સમય વિતવાથી હવે સરકારે ભથ્થામાં 2100 રુપિયાનો વધારો કર્યો છે. આ નવા ઠરાવ મુજબ હવે 13 સપ્ટેમ્બર 2022થી આ હુકમ લાગુ પડશે અને રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને આ નિર્ણયનો લાભ મળશે.