પાટણના ચાણસ્મામાં નવજીવન ક્લબના બેનર લગાવી ઝડપાયેલ જુગારધામમાં મોટો ખુલાસો થયો છે. આ જુગારધામ ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ, બકા પટેલ અને કૉંગ્રેસ નેતા ચિરાગકુમાર પટેલની મુખ્ય ભૂમિકા હોવાનો પર્દાફાશ થયો છે. આરોપીઓ હાલમાં ફરાર છે. નોંધનીય છે કે રવિવારે એસએમસીએ દરોડા પાડ્યા હતા. પ્રદેશ ભાજપે રાજુ પટેલને સસ્પેન્ડ કર્યો હતો. જુગાર રમાડવામાં સાત વ્યક્તિઓની સંડોવણી બહાર આવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલની પણ સંડોવણી બહાર આવતાં પ્રદેશ ભાજપ હાઇકમાન્ડના આદેશ મુજબ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલને 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે.
જો કે રવિવારે SMCએ કરેલી રેડ બાદ હાલ તો શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ અને ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર એવા કૉંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલ હાલ ફરાર છે. પ્રદેશ કૉંગ્રેસે ચાણસ્મા નગરપાલિકાના વોર્ડ નંબર છમાંથી ચિરાગકુમાર પટેલને મેન્ડેટ આપ્યું છે. છેલ્લા 15 વર્ષથી અહીં ક્લબના નામે જુગારધામ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રવિવારે સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને SMCએ રેડ કરી 80 હજારથી વધુની રોકડ સહિત લાખોના મુદ્દામાલ સાથે 33થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
વર્ષ 2015માં પણ પોલીસે રેડ કરીને મોટી સંખ્યામાં જુગારી અને લાખોની રોકડ જપ્ત કરી હતી. ત્યારે ઝડપાયેલા કેટલાક જુગારી તો સરકારી નોકરીયાત હતા. રાજવી ક્લબના નામે ક્લબ બનાવીને જુગારધામ ધમધમતુ હતુ. જો કે બાદમાં નામ બદલીને નવજીવન ક્લબ રખાયું હતું. જો કે બીજી તરફ પ્રદેશ ભાજપે જુગારધામમાં નામ ખુલતા જ રાજુ પટેલને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.ત્યારે હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ કૉંગ્રેસ ચિરાગકુમાર પટેલ વિરૂદ્ધ શું કાર્યવાહી કરે છે.
પી.એસ.આઇ જે.વી. પટેલની આગેવાની હેઠળની ટીમે શનિવારે રાત્રે પાડેલા દરોડામાં રૂ. 85,950ની રોકડ રકમ ઉપરાંત ફોન-પે અને ગુગલ-પે દ્વારા થયેલા રૂ. 12.28 લાખથી વધુના વ્યવહારો પકડી પાડ્યા હતા. જુગાર ધામ પરથી પોલીસે બે ગાડી સહિત ટુ વ્હીલરો સહિત રૂ.14,65000 ના આઠ વાહનો 1.47 લાખનાં 37 મોબાઈલ 25 ખુરશીઓ સહિત કુલ રૂ.17.37 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા