બનાસકાંઠા: જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર,બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી તારિખ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થનાર છે. જેમાં આગોતરા આયોજન માટે પ્રવાસન સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટીંગ મળી હતી.




દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે


હારિત શુક્લાએ જણાવ્યું હતું કે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરવા તમામને જણાવ્યું હતું . તેઓએ કહ્યું હતું કે, દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. તેઓએ દરેક વિભાગને  કરવાની થતી વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જેમાં શ્રધ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ,સ્વચ્છતા, પાર્કિંગ, કાયદો- વ્યવસ્થા,ટ્રાફિક નિયમન,અંબાજી નગરમાં લાઇટિંગ,મંદિરમાં  દર્શન વ્યવસ્થા,સુરક્ષા- સલામતી, પ્રચાર - પ્રસાર સહિતની બાબતોની પ્રવાસન સચિવએ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું.




એડવાન્સ પ્લાનિંગના ભાગરૂપે મિટિંગનું આયોજન


આ વર્ષે આગામી તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત થનાર ભાદરવી પૂનમ મેળામાં આવનાર દરેક શ્રદ્ધાળુને વિશિષ્ટ અનુભવ થાય એ માટે એડવાન્સ પ્લાનિંગના ભાગરૂપે મિટિંગનું આયોજન કરી તૈયારીઓની શરૂઆત કરવામાં આવી હતી. આ મિટિંગમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના સી.ઇ.ઓ. રાજકુમાર બેનીવાલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલ,આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરૂણકુમાર બરનવાલ,  જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ,મંદિર ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા , સેપ્ટના  પ્રોજેક્ટ ડિરેક્ટર  રેશમા શાહ તેમજ વિવિધ વિભાગના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial