મોરબી: હળવદના કારખાનામાં ભેળસેળવાળી વરીયાળીનો જંગી જથ્થો હોય જે માનવ સ્વાસ્થ્યને નુકશાનકરતા હોવાની માહિતી મળતા મોરબી એલસીબી ટીમે રેડ કરી ૧.૧૨ કરોડના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પ્લોટ નંબર ૩-૪ માં આવેલ વંદન એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમિકલયુક્ત પાવડરની ભેળસેળ વાળી વરીયાળીનો જંગી જથ્થો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી. જેમાં કારખાનામાંથી આધાર બીલ વગરનો કેમિકલયુક્ત પાવડર ભેળસેળ વાળી વરીયાળી અને સાદી વરીયાળીનો જથ્થો અને કેમિકલયુક્ત પાવડર મળી આવ્યો હતો.
પોલીસે કેમિકલયુક્ત પાવડર ભેળસેળ કરેલ વરિયાળી ઝડપી પાડી
જેથી પોલીસે કેમિકલયુક્ત પાવડર ભેળસેળ કરેલ વરીયાળી ૪૯,૧૩૦ કિલોગ્રામ કીમત રૂ ૧,૦૦,૭૧,૬૫૦, સાદી વરીયાળી ૬૪૦૦ કિલોગ્રામ કીમત રૂ ૧૦,૨૪,૦૦૦ કેમિકલયુક્ત અલગ અલગ કલરનો પાવડર ૩૦૨૫ કિલોગ્રામ કીમત રૂ ૧,૮૧,૫૦૦ અને એક મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૧,૧૨,૮૨,૧૫૦ ની કિમતનો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે લઈને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે. તેમજ આરોપી હિતેશ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલ (ઉ.વ.૩૬, રહે હાલ હળવદ વસંતપાર્ક સોસાયટી મૂળ રહે ઉત્તરપ્રદેશ) ને ઝડપી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કલરના પણ નમૂના લઈ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા
ઝડપાયેલ આરોપી છેલ્લા બેએક વર્ષથી હળવદ વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોની સસ્તા ભાવની વરીયાળી ખરીદી કરી તેમાં કેમિકલયુક્ત પાવડરની ભેળસેળ કરી ઊંચા ભાવે વેચવા માટે પેકિંગ કરી બહારના રાજ્યમાં વરીયાળીનું વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે. ભેળસેળને પગલે ફૂડ વિભાગની ટીમ પણ એક્શનમાં આવી એલસીબી ટીમે ભેળસેળ યુક્ત વરીયાળીનો જથ્થો કબજે લીધા બાદ આ અંગે ફૂડ વિભાગને જાણ કરતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી એમ. એમ. છત્રોલા અને સી. કે. નિમાવત દ્વારા વરિયાળીનો નમૂનો લઈ પૃથક્કરણ અર્થે મોકલી આપ્યો હતો. તેમજ સાથે ભેળસેળ કરવામાં વાપરવામાં આવતા કલરના પણ નમૂના લઈ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. હવે વરિયાળી અને કલરના રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.