દાહોદ: શહેરમાં આવેલી ગોધરા રોડ પ્રાથમિક શાળાની છતમાંથી પોપડા ખરી પડતાં હોવાથી અનોખો નુસ્ખો અજમાવવામાં આવ્યો છે.  સિમેન્ટના પોપડાથી વિદ્યાર્થી અને શિક્ષકોને ઇજા ન થાય તે માટે તમામ વર્ગખંડો, આચાર્યની ઓફિસ ઉપરાંત લોબીની છત ઉપર ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે.


બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે


દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓના ખંડ જર્જરિત બનતાં છાત્રોને બહાર કે લોબીમાં બેસાડીને ભણાવવાના ઢગલાબંધ કિસ્સા છે પરંતુ દાહોદ શહેરની ગોધરા રોડ પ્રાથમિક શાળાના ઓરડાઓમાં છત ઉપર ગ્રીન નેટ બાંધી બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. નોંધનિય છે કે, ગોધરા રોડ પ્રાથમિક શાળા 1984માં બની હોવાનો અંદાજ છે. 37 વર્ષ પહેલાં બનેલી શાળાના પોપડા હવે ધીમે-ધીમે ખરવા માંડ્યા છે. આ શાળામાં ધોરણ 1થી 8માં 288 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 


શાળાની છતોના સળિયા પણ દેખાવા માંડ્યા


શાળામાં આમ તો 13 ખંડ છે અને તેમાંથી 6 ઓરડા જર્જરિત છે. હાલમાં શાળાના 7 વર્ગખંડમાં વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. જોકે, આખી શાળાની છતનું પ્લાસ્ટર હવે જવાબ આપી જતાં કોઇપણ સમયે તેમાંથી પોપડા ખરવા માંડે છે. એટલું જ નહીં પરંતુ શાળાની છતોના સળિયા પણ દેખાવા માંડ્યા છે. ચોમાસામાં શાળામાં કેટલીક જગ્યાએ વરસાદ પણ પડતો હતો. જેથી છતના સિમેન્ટના પોપડા ખરે અને વિદ્યાર્થી અને શિક્ષક ઇજાગ્રસ્ત થાય તો નવી ઉપાધી પેદા થાય ત્યારે હંગામી વિકલ્પના ભાગ રૂપે શાળાના આચાર્યએ કેટલાંક સમય પહેલાં પોતાની ઓફિસ સાથે તમામ વર્ગખંડ અને આખી લોબીમાં ગ્રીન નેટ બાંધી દીધી હતી. 


દિવાળી વેકેશનમાં સમારકામ કરવામાં આવશે


ગ્રીન નેટ બાંધ્યા બાદ ખરતાં પોપડા હવે તેમાં જ ઝીલાઇ જાય છે અને તે કેટલીક જગ્યાએ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. આ ગ્રીન નેટ સિમેન્ટના પોપડાઓ સામે વિદ્યાર્થી અને શિક્ષકોને ક્યાર સુધી રક્ષણ પુરૂ પાડશે તે જોવું રહ્યું. જોકે આચાર્ય ના સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે શાળાના 6 ઓરડા જર્જરિત છે. બાકી 7નો ઉપયોગ કરવામાં આવે છે. પોપડા ખરીને બાળકો કે શિક્ષકો ઉપર ના પડે અને તેમનું રક્ષણ થાય તે માટે શાળાના છત ઉપર ગ્રીન નેટ બાંધી છે. દિવાળી વેકેશનમાં સમારકામ કરવામાં આવશે. પાણી પણ પડતુ હોવાથી ધાબા ઉપર વોટરપ્રુફિંગ પણ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે  શાળાની છતથી પોપડા લાંબા સમયથી ખરી રહ્યા છે. થોડા સમય પહેલા પણ  છતમાંથી પોપડો ખરતાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. જોકે, ત્યાર બાદ પણ પોપડા પડવાની ઘટનાઓ યથાવત રહી હતી પરંતુ સદભાગ્યે કોઇને ઇજાઓ થઇ ન હતી.