Gujarat Rain Update: નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નવસારી જિલ્લાની નદીઓમાં ડૂબી જવાથી કુલ ત્રણ લોકોના મોત થયા છે. પ્રથમ વાંસદાની કાવેરી નદીમાં ડૂબી જવાથી વાંગણ ગામના યુવાનનું મોત થયું છે. બીજુ બીલીમોરાની કાવેરી નદીમાં ડૂબી જવાથી નિતેશ નામના યુવાનનું મોત થયું છે જ્યારે ત્રીજુ નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધ મહિલાનું મોત થયું છે.


 



ઘોઘંબાના ધનેશ્વર ગામના કોઝવે પર પાણીના પ્રવાહમાં ગત રાત્રીએ તણાઈ ગયેલ ઇકોવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઇકો વાનમાંથી એક 21 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવક ઘોઘંબા ગામનો હોવાનું સામે આવ્યું છે. ગતરાત્રીએ ઘોઘંબામાં પડેલા ધોધમાર વરસાદને લઈને પાણીનો પ્રવાહ અચાનક વધતા ઇકો વાન કોઝવે પરથી તણાઈ હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


ઘોઘંબા તાલુકામાં 7 ઇંચ વરસાદે તારાજી સર્જી


ઘોઘંબા તાલુકામાં 7 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. વાડીનાથ ગામે  22 પશુઓના મોત નિપજયા જ્યારે અન્ય 6 પશુઓ તણાયા છે. ગત રાત્રી દરમિયાન ધોધમાર વરસેલા વરસાદથી લોકોના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. કોતરમાં અચાનક પાણીનું સ્તર વધતા ઘર આંગણે બાંધી રાખેલ 50 પશુઓ પૈકી 28 પશુઓ છોડી ન શકતા ઘટના બની હતી. હલ આ બનાવને પગલે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ


નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાંથી વહેતી ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ઓરંગા નદીના ઉપરવાસમાં એટલે કે સાપુતારા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે. ભારે વરસાદને કારણે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઓરંગા નદીના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.