કેશોદ: હાલમાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેનાં કારણે અનેક નદી નાળા અને કુવાઓ છલકાય ગયા છે. તો બીજી તરફ ખેતરમાં રહેલા બોર પણ ભરાઈ ગયા છે. જો કે, આ સમયે એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બોરમાંથી આપમેળે પાણીનો ફુવારો ઉડી રહ્યો છે. નાની ઘંસારી ગામે પાણીના બોરમાંથી આકાશ તરફી પાણીનો ફુવારો છુટ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
કારાભાઈ રાણાભાઈ કરમટાના ખેતરમાં આવેલ બોરમાં પાણીનો ફુવારો છુટ્યો છે. પાણીના બોરમાંથી પાણીનો આકાશ તરફી ફુવારો છુટ્યાનો વીડિયો લોકો ખુબ શેર કરી રહ્યા છે. આશરે સો ફુટથી વધુ ઉંચો પાણીનો ફુવારો છુટતા કુતુહલ સર્જાયું છે. આશરે બે મીનીટ સુધી પાણીનો ફુવારો જોવા મળ્યો હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે આ ઘટના બની હોય.આ અગાઉ પણ બે વખત બોરમાંથી પાણીનો આકાશ તરફી ફુવારો છુટ્યો હતો.
ગત વર્ષે પાણીમાં બોરમાં રહેલ લોખંડની 800 ફુટ લાઈન ઈલેક્ટ્રીક મોટર કેબલ બોર બહાર ફંગોળ્યા હતા. ગત વર્ષે લોખંડની લાઈન ઈલેક્ટ્રીક મોટરમાં નુકસાન થયું હતું. ગત વર્ષે લોખંડની લાઈનના ટુકડા થઈ ગયા હતા. જેના કારણે એક લાખથી વધુનું નુકસાન થયું હતું. અગીયાર વર્ષ પહેલાં આ બોર કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આજ પાણીનો બોર બે વખત ઉભરાયો હતો.
જૂનાગઢ જિલ્લામાં વરસાદે બોલાવી બઘડાટી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જૂનાગઢ કલેકટર કચેરી નજીકના વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સત્વરે સમસ્યાના સમાધાનનું વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. હાલ જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.
જુનાગઢ રાજકોટ માર્ગ પર પાણી ભરાયા છે. સાબલપુર દોલતપરા વચ્ચે પાણી ભરાયા છે.મુખ્ય માર્ગ પર પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વંથલી તાલુકાના રવનીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નવા પ્લોટ વિસ્તારમાં વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રવની સહીત આજુબાજુ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.