Gujarat assembly election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે.  સુરતની જેમ કચ્છમાં પણ આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને ઉઠાવી લેવાયો હોવાની વાત સામે આવી છે. પહેલા નંબરની વિધાનસભા અબડાસા બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. અબડાસાના આમ આદમીના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરી દેતા રાજકારણ ગરમાયું છે.  અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણી ભાજપને ટેકો જાહેર કર્યો છે. કાલે વડાપ્રધાનની હાજરીમાં ભાજપને ટેકો આપશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હવે અબડાસાના નીરદલ ઉમેદવાર હકૂમત સિંહ જાડેજાને સમર્થન આપશે. આ પહેલા સુરતના ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.


લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે


 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- BJP બોખલાયેલી છે, હુમલા કરવામાં આવે છે.  રસ્તા પર જાવ અને પૂછો કોને વોટ આપશો ? કોઈ કહે BJP, કોઈ કહે આપ, જે BJP ની વાત કરે એની સાથે 5 મિનિટ વાત કરો. એ પણ કહે આપને વોટ આપીશું. ગુજરાતમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે કે લોકો ડરેલા છે, આપને વોટ આપીશું એમ કહેતા ડરે છે. કોંગ્રેસનું નામોનિશાન નથી.


27 વર્ષના કુસાશન બાદ લોકોને રાહત મળશે. ગુજરાતના સરકારી કર્મચારીઓને આશ્વાસન આપું છું કે આપની સરકાર બનશે તો 31 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પેંશન સ્કીમ લાગુ કરવામાં આવશે. પોલીસ,સ્ટેટ ટ્રાન્સપોર્ટ,અર્ધ સરકારી,તલાટી સહિત ના લોકો નો ગ્રેડ પેની સમસ્યા છે આ તમામને આશ્વાસન આપીએ છીએ કે અમે તમામ કર્મચારીઓની સમસ્યાનો ઉકેલ લાવીશું.


મારી આગાહી સાચી પડી


દિલ્હીના સીએમએ કહ્યું, મારી આગાહી સાચી પડી. 2014માં જ્યારે દિલ્હીમાં ચૂંટણી થઈ ત્યારે મેં એક પત્રકારને લખ્યું હતું કે કોંગ્રેસને આ વખતે શૂન્ય સીટો મળશે. મેં પંજાબની ચૂંટણીમાં ઘણી આગાહીઓ કરી હતી. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ હારી જશે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી જશે, બાદલ સાહેબનો આખો પરિવાર હારી જશે. એટલા માટે આજે હું તમારા બધાની સામે એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. વિવિધ ચેનલો પૂછે છે. મને, તેની જરૂર નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. તમારે આજે આ વાતની નોંધ લેવી જોઈએ.


સી.આર.પાટીલે અચાનક લીધી બોટાદની મુલાકાત, અનેક તર્કવિતર્ક


આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે અચાનક બોટાદની મુલાકાત લીધી. બોટાદ RTO હેલિપેડ ખાતે ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું સ્વાગત કર્યુ હતું.
સુરતના ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકા, વલ્લભભાઈ ટોપી સહિત ઉધોગપતીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પાટીલ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરવાના હતા પરંતુ આ બેઠક એકાએક રદ કરી મહત્ત્વના કાર્યકરો સાથે બેઠક  યોજતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બોટાદના સાળંગપુર રોડપર આવેલી ખાનગી હોટલમાં તેમણે બેઠક કરી હતી.