અમદાવાદ: આમ આદમી પાર્ટીએ શિક્ષણને લઈ  નવું અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત પાર્ટીએ એક નંબર જાહેર કર્યો. આ નંબર છે 95120 40404. આ નંબર પર જનતાને ખંડેર સ્કૂલોના ફોટા મોકલવા આમ આદમી પાર્ટીએ અપીલ કરી છે. આપના નેતાઓએ જાહેરાત કરી કે આ ફોટાને પાર્ટી મીડિયા અને સોશિયલ મીડિયા મારફત પ્રધાન મંત્રીને મોકલશે અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે.



આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, અમે સરકાર સામે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને મુખ્યમંત્રીને દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટેનું આમંત્રણ આપ્યું છે. 


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરમાં સરકારી શાળાની મુલાકાત લીધી હતી



ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદનને લઈને ગુજરાત નહિ પણ દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે જેને લઇને દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા  11 એપ્રિલે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ખાસ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના શિક્ષણ અને બાંધકામ અંગેની સમીક્ષા કરી હતી જે દરમિયાન તેમણે 27 વર્ષથી શાસન કરતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં શિક્ષણ અંગે ચર્ચાઓ થવી જોઈએ.



આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણપ્રધાન  મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓએ માહિતી મેળવી હતી સાથે જ તેમણે શહેરની હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62  મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવર્તી શાળાની મુલાકાત લીધી હતી.


સરકારી શાળાની મુલાકાત લઈ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું આવવાનો હતો એટલે સાફ-સફાઈ તો કરી છે પણ એટલી થઈ નથી, હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ અહીં આવીને મેં જોયું કે શિક્ષણપ્રધાનના મત વિસ્તારમાં જ શાળાઓની હાલત કેટલી ખરાબ છે.