વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આજે  ફોર્મ ભરશે.આ પહેલા વિસાવદરમાં તેમનો રોડ શો પણ યોજાશે. વિસાવદરના  સરદાર પટેલ ચોક ખાતે 10 વાગ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હી વિરોધ પક્ષના નેતા આતિશીસિંહ, ગુજરાતની આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુંદાન ગઢવી ઉપસ્થિત રહે તેવો અનુમાન છે.

વિસાવદરમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાવાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.વિસાવદરમાં સરદાર પટેલને ફુલહાર કર્યા બાદ સભાનું આયોજન છે. વિસાવદર મા રોડ શો પણ આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમને લઇને વિસાવદર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિસાવદર અને ભેસાણ વિસ્તારમાથી ખેડૂતો ગોપાલ ઇટાલિયા ની સભામાં પહોંચી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે,ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.

વિસાવદર અને કડી વિધાનસભા પર પેટાચૂંટણી 

ઉલ્લેખનિય છે કે,વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપને વ્યાપક સફળતા મળી હતી, એમ છતાં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક જીતવામાં તે નિષ્ફળ રહ્યો હતો. અહીંથી આમ આદમી પાર્ટીના (આપ) ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટાઈ આવ્યા હતા.જોકે, વર્ષ 2023માં ભાજપમાં જોડાવા માટે તેમણે આપમાંથી તથા ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. એ પછી તેમની ચૂંટણીને પડકારતી કેટલીક અરજીઓ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી.પાછળથી આ અરજીઓ પાછી ખેંચી લેવામાં આવી હતી અને વીસાવદરની બેઠક ઉપર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ એ પહેલાં જ આપે તેના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા.છેલ્લાં લગભગ 18 વર્ષથી ભાજપ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લે વર્ષ 2007માં કનુભાઈ ભલાળા અહીંથી ચૂંટાઈ આવ્યા હતા.વર્ષ 2017માં કૉંગ્રેસના હર્ષદ રીબડિયા ચૂંટાઈ આવ્યા હતા. તેઓ વર્ષ 2014ની પેટાચૂંટણી વખતે પણ વિજયી થયા હતા.