આજકાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પોતાના નિવેદનો માટે ખુબ ચર્ચામાં છે. આ ઉપરાંત તેના નિવેદન પર ટિપ્પણી કરનારા નેતાઓ પણ ઓછી સંખ્યામાં નથી. થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પર નારાજગી વ્યક્ત કરતા નિવેદનો આપ્યા હતા, જેની નોંધ કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી લેવામાં આવી હતી અને આ નિવેદનો બદલ હાર્દિક પટેલને ઠપકો પણ મળ્યો હતો. જો કે હાર્દિકે ફરી એક વાર રાજકીય નિવેદન આપ્યું  છે અને આ નિવેદન કોંગ્રેસ વિશેનું નથી, પણ ભારતીય જનતા પાર્ટી વિશેનું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિક પટેલે કોંગ્રેસના વિરોધી પક્ષ ભાજપના વખાણ કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કારક કે આ ઇન્ટરવ્યૂમાં ભાજપના વખાણ સામે હાર્દિકે ફરી એક વાર કોંગ્રેસ પર નારાજગી વ્યક્ત કરી છે. 


ભાજપ વિશે શું કહ્યું હતું હાર્દિકે? 
આ ઇન્ટરવ્યૂમાં હાર્દિકે ભારતીય જનતા પાર્ટીના ભરપૂર વખાણ કર્યા. હાર્દિકે કહ્યું કે ભાજપમાં ઘણા બધા નેતાઓ છે અને ભાજપમાં નિર્ણયશક્તિ વધારે છે. ભાજપ કે અન્ય કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેમાંથી સારી બાબત શીખવાની હોય છે. ભાજપે જે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા તો એ સ્વીકાર્ય છે. રાજકીય નિર્ણયો લેવાની શક્તિ ભાજપમાં વધારે છે. હાર્દિકે કહ્યું કે, આ વકાલત નથી પણ સાચી વસ્તુનો સ્વીકાર જરૂરી છે. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થવુ હશે તો નિર્ણયશક્તિની ક્ષમતા વધારવી પડશે. કાર્યકરોને પૂછશો તો કાર્યકરો પણ સ્વીકારશે કે કોંગ્રેસ પાર્ટીની અંદર નિર્ણયશક્તિનો અભાવ છે. હાઈકમાન્ડ પાસે આશા છે કે સમાધાન પ્રક્રિયામાં આગળ વધારશે. 


હાર્દિકને ભાજપમાંથી આમંત્રણ મળ્યું : ઈસુદાન 
હાર્દિક પટેલે ભાજપના કરેલા વખાણથી એવી ચર્ચાઓ વહેતી થઇ છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે મોટો દાવો કર્યો છે. ઈસુદાને દાવો કર્યો કે હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાર્દિકને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ઈસુદાને કહ્યું કે અત્યાર સુધી ભાજપ હાર્દિક પટેલનો વિરોધ કરતુ હતું, અને હવે આમંત્રણ આપે છે.