જૂનાગઢઃ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી મહેશ સવાણી પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મળતી જાણકારી અનુસાર જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાન ઈસુદાન ગઢવી, મહેશ સવાણી સહિતના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આપના આગેવાનો પર હુમલાની ઘટનાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વખોડી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી.
કેજરીવાલે પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, જો ઇસુદાન અને મહેશભાઇ જેવા લોકો પર ગુજરાતમાં ખુલ્લેઆમ હુમલો થઇ રહ્યો છે તો ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી. આ હિંસા તમારી બેચેની બતાવે છે, તમારી હાર છે. લોકોને સારી સુવિધા આપીને તેમનું દિલ જીતી લો. વિપક્ષ પર હુમલો કરાવીને તેમને ડરાવો નહીં. આ લોકો ડરવાના નથી.
નોંધનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો. હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.