Chaitra Vasava controversy: ભરૂચના ઝઘડિયામાં આવેલી એક કંપનીમાં લાગેલી આગની ઘટનામાં 2 કામદારોના મોત બાદ મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. મૃતક કામદારના પરિવારજનો સાથે વળતર મુદ્દે ચૈતર વસાવાની બોલાચાલી અને મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે કે વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને તેમણે મૃતકના સગાને લાફો માર્યો હતો, જેની સામે પરિવારે પણ તેમને વળતો લાફો ઝીંકી દીધો હતો. જોકે, બીજી તરફ ચૈતર વસાવાએ આ તમામ આરોપો ફગાવી દઈને પોલીસ અને અન્ય તત્વો પર દોષનો ટોપલો ઢોળ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા ઝઘડિયા જીઆઇડીસીમાં (GIDC) આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કરુણ ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા અને અન્ય 15 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટના બાદ કંપનીએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ, આ વળતરની વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકોના ટોળા સાથે કંપની પર પહોંચી ગયા હતા, જ્યાંથી આખો વિવાદ શરૂ થયો હતો.
લાફાકાંડ અને પૈસા ઉઘરાવવાનો આરોપ
જ્યારે ચૈતર વસાવા કંપની પર પહોંચ્યા, ત્યારે મૃતકના પરિવારે તેમને આ મામલામાં મધ્યસ્થી કરવાની કે વચ્ચે પડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મૃતકના સબંધીઓનો આરોપ છે કે જ્યારે તેમણે વસાવાને દખલગીરી કરવાની મનાઈ કરી, ત્યારે ઉશ્કેરાઈને ચૈતર વસાવાએ તેમને થપ્પડ મારી દીધી હતી. આના જવાબમાં પરિવારે પણ વસાવાને થપ્પડ મારી હોવાની ચર્ચા છે. પરિવારજનોએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે ચૈતર વસાવાને ન્યાય અપાવવામાં કોઈ રસ નથી, તેઓ માત્ર કંપની પાસેથી પોતાના નામે પૈસા ઉઘરાવવા જ અહીં આવ્યા હતા.
ચૈતર વસાવાએ કર્યો બચાવ
આ સમગ્ર 'લાફાકાંડ' મામલે ભારે હોબાળો મચ્યા બાદ ચૈતર વસાવાએ પણ પોતાનું નવું નિવેદન જાહેર કર્યું છે. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વસાવાનું કહેવું છે કે, "મૃતકના પરિજનોએ જ અમારી સમક્ષ ન્યાયની માંગણી કરી હતી, અને પરિવારની માંગ પર જ અમે કંપની પર ગયા હતા." તેમણે વધુમાં દાવો કર્યો છે કે મૃતકના પરિવાર સાથે જેમને કોઈ લેવાદેવા જ નથી, તેવા બહારના લોકોએ ત્યાં આવીને બબાલ કરી હતી. આ સાથે જ વસાવાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે પોલીસે ખોટી રીતે ટોળા પર બળપ્રયોગ કર્યો હતો.
